લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન એ ભારતમાં સૌથી અનુકૂળ અને આરામદાયક માધ્યમ ગણાય છે. પરંતુ, શું તમે જાણો છો કે સ્લીપિંગ અને એસી કોચમાં મુસાફરો પોતાના બર્થ પર ગમે ત્યારે સૂઈ શકતા નથી? ભારતીય રેલવેના નિયમ મુજબ, મુસાફરો માત્ર રાત્રે 10.00 વાગ્યાથી સવારે ૬:૦૦ વાગ્યા સુધી જ બર્થ પર સૂઈ શકે છે. બાકીના સમય દરમિયાન નીચલી (Lower) બર્થ પર તમામ મુસાફરોને બેસવાની જગ્યા આપવી પડે છે. તાજેતરમાં આ નિયમ સામે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર કોર્ટે રેલવેના નિયમને યથાવત રાખતો મહત્વનો ચુકાદો આપ્યો છે.
શું હતો આખો મામલો?
આ કાનૂની વિવાદ ચેન્નાઈના એક દંપતી સાથે જોડાયેલો છે. એક વ્યક્તિ પોતાની પત્ની સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો, તે દરમિયાન તેની પત્નીની તબિયત અચાનક લથડી હતી. જેથી તેણીએ સવારે ૬:૦૦ વાગ્યા પછી પણ બર્થ પર સૂઈ રહેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોએ નિર્ધારિત સમય પછી નીચલી બર્થનો ઉપયોગ સૂવા માટે આપવાની સાફ ના પાડી દીધી હતી.
આ ઘટના બાદ પતિએ રેલવેના આ નિયમને મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે રેલવે મેન્યુઅલમાં બીમાર અને સગર્ભા મહિલાઓ માટે ખાસ જોગવાઈઓ હોવા છતાં, જો સાથી મુસાફરો સહકાર ન આપે તો તેનો લાભ મેળવવો મુશ્કેલ બને છે, તેથી આ નિયમમાં ફેરફાર થવો જોઈએ.
મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો અને અવલોકન
મદ્રાસ હાઈકોર્ટે અરજી ફગાવી દેતાં રેલવેના નિયમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બર્થના ઉપયોગનો સમય તમામ મુસાફરોના સામાન્ય આરામ અને સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. કોઈ એકાદ વ્યક્તિગત ઘટના કે અસુવિધાના કારણે આખા દેશનો સામાન્ય નિયમ રદ કરી શકાય નહીં. જોકે, કોર્ટે ઉમેર્યું હતું કે જરૂરિયાત મુજબ બીમાર કે સગર્ભા મુસાફરોને વિશેષ માનવતાવાદી છૂટછાટ કે જોગવાઈઓ મળી શકે છે.
મુસાફરો માટે ધ્યાન રાખવા જેવી બાબતો:
સૂવાનો સમય: રાત્રે 10.00 થી સવારે 6.00 વાગ્યા સુધી જ બર્થ સૂવા માટે વાપરી શકાશે. સવારે ૬:૦૦ પછી મધ્યમ બર્થ (Middle Berth) વાળા મુસાફરે પોતાની બર્થ બંધ કરવી પડશે જેથી નીચેના મુસાફરો બેસી શકે.
તબિયત ખરાબ થાય તો: જો મુસાફરી દરમિયાન તબિયત બગડે તો સાથી મુસાફરો સાથે વિવાદ કરવાના બદલે તાત્કાલિક ટ્રેન ટીટીઈ (TTE) કે રેલવે સ્ટાફનો સંપર્ક કરવો જોઈએ.
આ પણ વાંચોઃ Hair Problem: આ ઉણપથી વાળ થાય છે ઝડપથી પાતળા, માત્ર એક ઉપાય અને વાળ થશે જાડા