મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવેના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નાંદેડ ડિવિઝનના DRMને નોટિસ પાઠવી છે. આ નોટિસ VIP વેઇટિંગ રૂમમાં મુકેલા સોફા પર માંકડ મળવાને લઈને આપવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે મેજિસ્ટ્રેટે સોફા બદલવા અને પેસ્ટ કંટ્રોલ કરવા માટે આદેશ આપ્યો હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યું નહોતું. જણાવવામાં આવી રહ્યું છે કે 20 મે 2026ના રોજ આ આદેશ આપવામાં આવ્યો હતો, છતાં તેનો અમલ ન થતાં આ નોટિસ ફટકારવામાં આવી છે.
માંકડ મળ્યા પછી પણ ધ્યાન ન આપ્યું
વાત જાણે એમ છે કે મામલો 20 મે 2026નો છે. જ્યારે VIP રૂમના જૂના સોફામાં ઘણા માંકડ મળ્યા પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે DRMને પત્ર લખીને આ બાબતની જાણ કરી હતી. રેલવે અધિકારીઓને પેસ્ટ કંટ્રોલ કરાવવા, હાલના સોફાની જગ્યાએ નવા સોફા મુકવા અને VIP રૂમની બરાબર જાળવણી સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. લગભગ 4 મહિના પછી 19 સપ્ટેમ્બર સુધી પણ ન તો સોફા બદલાયા કે ન તો પેસ્ટ કંટ્રોલ થયું. જે બાદ આ કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અત્યારના સોફામાં હજુ પણ માંકડ છે અને આ સ્થિતિ હાઈકોર્ટના જજોના બેસવા માટે એકદમ અયોગ્ય અને ખરાબ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જજ VIP રૂમ વાપરવાને બદલે પોતાની કારમાં બેસી રહ્યા હતા.

