ઉત્તરાખંડમાં ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં ભારતીય રેલવેને મોટી સફળતા મળી છે. આ પ્રોજેક્ટ હેઠળ રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલી 6.59 કિલોમીટર લાંબી સુરંગ-14નું મુખ્ય ખોદકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
સુરંગના બંને છેડેથી ચાલી રહેલા ખોદકામને એકબીજા સાથે જોડી દેવામાં આવતાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. રેલવે મંત્રાલયે પણ આ સિદ્ધિને પ્રોજેક્ટના નિર્માણમાં મોટો પડાવ ગણાવ્યો છે.
આ સુરંગ પૂર્ણ થવાથી ઉત્તરાખંડના પહાડી વિસ્તારોને રેલવે નેટવર્ક સાથે જોડવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો સુધી પહોંચવું વધુ સરળ બનવાની આશા છે.
બંને છેડેથી ખોદકામ કરી 6.59 કિમી લાંબી સુરંગ તૈયાર
રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સુરંગ-14નું ખોદકામ બે અલગ-અલગ છેડેથી કરવામાં આવી રહ્યું હતું. પોર્ટલ-1 એટલે કે સુમેરપુર તરફથી 4.7 કિલોમીટર અને પોર્ટલ-2 એટલે કે મરોડા તરફથી 1.79 કિલોમીટર સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું.
આ બંને ભાગ એકબીજા સાથે જોડાઈ જતાં 6.59 કિલોમીટર લાંબી મુખ્ય સુરંગનું ખોદકામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. જોકે, આ કામ એટલું સરળ નહોતું. સુરંગ બનાવતી વખતે એન્જિનિયરો અને બાંધકામ સાથે સંકળાયેલી ટીમને અનેક તકનીકી અને ભૂગર્ભીય પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

વસ્તી વિસ્તારની નીચે ઢીલી જમીનમાં ખોદકામ મોટો પડકાર
સુમેરપુર તરફ સુરંગના 110 મીટર લાંબા ભાગનું ખોદકામ વસ્તી વિસ્તારની નીચે ઢીલી માટીમાં કરવામાં આવ્યું હતું. આ સ્થળે જમીનની ઉપર 20થી 30 મીટર સુધી માટી અને ખડકોનાં પડ હતાં. આવી સ્થિતિમાં આસપાસનાં મકાનો અને રહેણાક વિસ્તારોને નુકસાન ન થાય તેની કાળજી રાખવી જરૂરી હતી.
આ પડકારનો સામનો કરવા માટે ખોદકામ પહેલાં ખાસ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં પ્રી-એક્સકેવેશન અને મલ્ટી-ડ્રિફ્ટિંગ ટેકનિકનો સમાવેશ થાય છે. આ પદ્ધતિઓથી જમીનની સ્થિરતા જાળવીને સુરક્ષિત રીતે સુરંગનું કામ આગળ વધારવામાં આવ્યું હતું.
આધુનિક ટેકનિકથી પહાડોને સ્થિર રાખવામાં આવ્યા
મરોડા તરફ સુરંગના બીજા છેડે ઢોળાવને સ્થિર રાખવો પણ મોટો પડકાર હતો. આ માટે 30થી 35 મીટર ઊંડાઈ સુધી માઇક્રોપાઇલ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 15થી 20 મીટર લાંબા રોક બોલ્ટ અને કન્સોલિડેશન ગ્રાઉટિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જમીન ધસી પડવાની સમસ્યાનો ઉકેલ લાવ્યા બાદ તેમજ જમીન અને મકાનોના સંપાદન સંબંધિત પ્રશ્નો ઉકેલાયા પછી માર્ચ 2024માં મુખ્ય સુરંગનું ખોદકામ શરૂ થઈ શક્યું હતું. પોર્ટલ-2 તરફ લગભગ 100 મીટરના ભાગમાં મશીનોની મદદથી ખોદકામ કરવામાં આવ્યું હતું.
બંને છેડાની આસપાસ નિયંત્રિત વિસ્ફોટ પદ્ધતિનો પણ ઉપયોગ કરાયો હતો. સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્લાસ્ટિંગ માત્ર દિવસના સમયે જ કરવામાં આવતું હતું.
સુરંગની અંદર હવા અને તાપમાનનું પણ રાખવામાં આવ્યું ધ્યાન
સુમેરપુર તરફથી 4.7 કિલોમીટર લાંબા ખોદકામ દરમિયાન સુરંગની અંદર તાજી હવા પહોંચાડવા અને તાપમાન નિયંત્રિત રાખવા માટે ખાસ વેન્ટિલેશન સિસ્ટમ લગાવવામાં આવી હતી. તેના કારણે સુરંગમાં કામ કરતા કર્મચારીઓ માટે સુરક્ષિત વાતાવરણ જાળવવામાં મદદ મળી હતી.
ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોને રેલવે નેટવર્ક સાથે જોડવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ યાત્રાળુઓ અને પ્રવાસીઓને મુસાફરીમાં મોટી રાહત મળશે. રાજ્યનાં મહત્વનાં ધાર્મિક અને પ્રવાસન સ્થળો સુધી પહોંચવું પણ સરળ બનશે. આ ઉપરાંત, રેલવે કનેક્ટિવિટી વધવાથી સ્થાનિક વેપાર, રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની પણ આશા છે.
