ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની હત્યામાં વપરાયેલા હથિયારની તસવીર સામે આવી છે. આ હથિયારથી રાજા પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો. પહેલો હુમલો આરોપી વિશાલે કર્યો હોવાનો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર, રાજાએ પણ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જ કારણ છે કે આકાશના શર્ટ પર લોહી હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ આ હથિયાર ગુવાહાટી રેલ્વે સ્ટેશન નજીકથી ખરીદ્યું હતું.
મધ્ય પ્રદેશના ઇન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની મેઘાલયમાં હત્યા થઈ હતી. તેની પત્ની સોનમ ગુમ થયાના સમાચાર વહેતા રહ્યા છે. હનીમૂન દરમિયાન 23મેના આ કપલ ગુમ થયુ હતુ. ફરી 2 જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ ખાણમાંથી મળ્યો ત્યાર બાદ સોનમની યુપી ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
સોનમે આત્મસમર્પણ કર્યું
રાજા રઘુવંશીની હત્યા બાદ સોનમ ગુમ થઈ ગઈ હતી. બાદમાં રાજાનો મૃતદેહ મળ્યા બાદ સોનમે 7 જૂને ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર બાદ મેઘાલય પોલીસે સોનમને પોતાની કસ્ટડીમાં લીધી હતી. સોનમ સિવાય આ હત્યા કેસમાં રાજ કુશવાહ સહિત 4 અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

રાજા રઘુવંશીની હત્યા એ સુનિયોજિત કાવતરું
રાજા રઘુવંશીનો પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. પરિવારે રાજાની પત્ની સોનમ રઘુવંશી અને રાજ કુશવાહાના નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. મીડિયા સાથે વાત કરતા રાજાના ભાઈ સચિન રઘુવંશીએ કહ્યું હતું કે આ હત્યા ફક્ત એક વ્યક્તિની નથી પરંતુ એક સુનિયોજિત કાવતરાનો ભાગ છે અને તેમાં બીજા ઘણા લોકો પણ સામેલ હોઈ શકે છે.
રાજાના પરિવારે નાર્કો ટેસ્ટની માંગણી કરી
રાજા રઘુવંશીનો પરિવાર માત્ર સોનમ અને રાજનો નાર્કો ટેસ્ટ જ ઈચ્છતો નથી પરંતુ આ કેસની સંપૂર્ણ તપાસ અને આ કાવતરામાં સામેલ તમામ લોકોના નામ જાહેર કરવાની પણ માંગ કરે છે. સચિન કહે છે કે સોનમ અને રાજ આ હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. અમે નાર્કો ટેસ્ટની માંગણી કરી રહ્યા છીએ જેમાં ઘણી બાબતો બહાર આવી શકે છે.