રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. શ્રી ડૂંગરગઢ નજીક નેશનલ હાઈવે પર સીઝરાલ હોટલ પાસે કાર અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં આ કરુણ ઘટના બની. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના કચ્ચરઘાણ નીકળી ગયા અને તેમાં સવાર 6 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે પર પૂરઝડપે દોડી રહેલી કાર અને ટ્રક વચ્ચે અચાનક સામસામે અથડામણ થઈ હતી. ટક્કરની તીવ્રતાને કારણે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા.
ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી
અકસ્માતની જાણ થતાં જ એમ્બ્યુલન્સ તેમજ ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. સેવાદારો અને સ્થાનિક લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી. તમામ મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બીકાનેર રિફર કરવામાં આવી હતી. તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
પોલીસે મૃતકોની ઓળખ તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી
મૃતકોમાં ત્રણ પુરુષ, એક મહિલા અને એક યુવતીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલી અન્ય યુવતી જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ અને સામસામેની ટક્કર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતકોની ઓળખ તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી છે. એક જ અકસ્માતમાં 6 લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો : Delhi Rain: 92KMની ઝડપે ફૂંકાયો પવન, દિલ્હી NCRમાં બદલાયો મોસમનો મિજાજ