રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. મનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફૂલપુર ગામ નજીક મુસાફરોથી ભરેલી ઈકો કાર અનિયંત્રિત થઈને તળાવમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવાયું છે.
સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
મળતી માહિતી મુજબ, ઈકો કારમાં અનેક મુસાફરો સવાર હતા. ફૂલપુર ગામ નજીક પહોંચતાં કાર તળાવ પાસેની પાણીથી ભરાયેલી રસ્તા પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન કાર ચાલકને રસ્તો અને તળાવની વાસ્તવિક હદનો અંદાજ ન આવતા વાહન સીધું ઊંડા પાણીમાં ખાબક્યું હતું. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ અને પ્રશાસનને જાણ થતાં ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
