રાજસ્થાનમાં પૂર્વ ભાજપ ધારાસભ્ય સાથે હત્યાકાંડ થતા ચકચાર મચી ગઇ છે. ભરતપુરની બયાના બેઠક પરથી ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ગુર્જર સમાજના અગ્રણી નેતા અતર સિંહ ભદાના પર 70થી 80 લોકોના ટોળાએ ગત મોડી સાંજે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ભાજપ નેતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓ વૈર વિસ્તાર નજીક આવેલા ક્રશર પ્લાન્ટ પર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા તે દરમિયાન ઓચિંતા લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને બેફામપણે લાકડીઓથી તેમને માર મારવામાં આવતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અતર સિંહ ભદાનાને સારવાર માટે જયપુર લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં દૌસાના મહુવા નજીક તેમનું મોત થયું હતું.

આ બનાવ પાછળ અતર સિંહ ભદાના અને ગ્રામજનો વચ્ચે તેમના ક્રશર પ્લાન્ટના સંચાલન અને પહાડો પરના ખાણકામને લઈને છેલ્લાં 2 વર્ષથી ચાલી રહેલો વિવાદ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ વિવાદે આખરે હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને પૂર્વ ધારાસભ્યનો જીવ ગયો.

શરૂઆતમાં તેમને ગોળી મારવામાં આવી હોવાની અફવા ફેલાઈ હતી. જોકે, જયપુરની સવાઈ માનસિંહ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દીપક માહેશ્વરીએ સ્પષ્ટ કર્યું હતું કે ભદાનાનું મોત ગોળી વાગવાથી નહીં, પરંતુ શરીર પર થયેલી ગંભીર ઈજાઓને કારણે વધુ લોહી વહી જવાથી થયું હતું. 

આખરે શું હતો સમગ્ર વિવાદ?

પોલીસની તપાસ મુજબ, આ હત્યા પાછળ નેતાના ક્રશર પ્લાન્ટના સંચાલન અને સ્થાનિક રસ્તા તથા પહાડીને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ મુખ્ય કારણ હોવાનું મનાય છે.

અતર સિંહ ભદાનાના વૈર વિસ્તારમાં આવેલા ક્રશર પ્લાન્ટ અને પહાડો પર ચાલી રહેલા ખાણકામનો સ્થાનિક ગ્રામજનો છેલ્લાં 2 વર્ષથી સતત વિરોધ કરી રહ્યા હતા. ગ્રામજનો અને ક્રશર પ્લાન્ટના સંચાલક વચ્ચે અનેક વખત ઉગ્ર બોલાચાલી અને અથડામણ થઇ રહી હતી. આ મુદ્દે વિરોધ પ્રદર્શનો અને ધરણાં પણ યોજવામાં આવ્યાં હતાં.

ઘટના સમયે શું થયું? 

રવિવારે સાંજે અતર સિંહ ભદાના પહાડી પર મશીનો દ્વારા ચાલી રહેલા ખાણકામ દરમિયાન સ્થળ પર હાજર હતા. ત્યારે અચાનક 70થી 80 લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા.

એવો આરોપ છે કે હુમલાખોરોએ તેમને અને તેમના સુરક્ષાકર્મી ગગન શર્માને કંઈ સમજવાનો કે બચાવ કરવાનો મોકો આપ્યા વિના લાકડીઓથી મારવાનું શરૂ કરી દીધું હતું. ગંભીર મારને કારણે અતર સિંહ ભદાના લોહીલુહાણ થઈ ગયા હતા. વધુ પડતું લોહી વહી જવાથી જયપુર પહોંચે તે પહેલાં જ તેમનું મોત થયું હતું.

કોણ હતા અતર સિંહ ભદાના?

મૂળ હરિયાણાના અતર સિંહ ભદાનાએ રાજસ્થાનના પૂર્વ ભાગને પોતાની રાજકીય કર્મભૂમિ બનાવ્યો હતો. ભરતપુર જિલ્લાના ગુર્જર સમાજની મોટી વસ્તી ધરાવતા વિસ્તારોમાં તેમની ગણના પ્રભાવશાળી, નિડર અને આક્રમક વલણ ધરાવતા સામાજિક-રાજકીય નેતા તરીકે થતી હતી.

અતર સિંહ ભદાનાની રાજકીય સફરનો સૌથી મહત્ત્વનો સમય 2003ની વિધાનસભા ચૂંટણી હતી. તેમણે ભરતપુરની બયાના બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમણે રાજસ્થાન સામાજિક ન્યાય મંચના ઉમેદવાર ધ્રુવેન્દ્ર સિંહને 19,405 મતના મોટા અંતરથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા સ્થાને રહ્યા હતા.

જો કે 2003માં ધારાસભ્ય બન્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. 2008માં તેમણે નગર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, જેમાં તેમને ખૂબ જ ઓછા મતના અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

રાજકારણમાં સ્પષ્ટ વલણ માટે જાણીતા અતર સિંહ ભદાના મોટાપાયે ખાણકામ અને ક્રશર વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા.

પોલીસની કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા

ઘટનાની જાણ થતાં જ વૈર પોલીસ સ્ટેશનના અધિકારી ધીરેન્દ્ર સિંહ પોલીસ દળ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

પૂર્વ ધારાસભ્યના મોત બાદ પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો છે. હુમલાખોરોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવા માટે પોલીસની અનેક ટીમો સંભવિત સ્થળોએ સતત તપાસ અને દરોડા પાડી રહી છે.

પૂર્વ ધારાસભ્ય અને વિસ્તારના પ્રભાવશાળી નેતાની ટોળા દ્વારા આ રીતે માર મારીને કરવામાં આવેલી હત્યાએ ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.