ભારતના 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂનના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. આ ચૂંટણી કેન્દ્રમાં સત્તાધારી ગઠબંધન NDA માટે રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વની છે. વર્તમાન ગણિત મુજબ, 245 સભ્યોની રાજ્યસભામાં NDA પાસે હાલ 148 સાંસદો છે, જે તેમને બે તૃતીયાંશ બહુમતી (બંધારણીય સુધારા માટે જરૂરી) થી માત્ર 15 બેઠકો દૂર રાખે છે. ભાજપ આ ચૂંટણીમાં કેટલી બેઠકો જીતી શકે છે, તે જોવું રસપ્રદ રહેશે.


રાજ્યોનું રાજકીય ગણિત

વિવિધ રાજ્યોની વિધાનસભાના આંકડાઓ જોતા ભાજપ અને તેના સાથી પક્ષો માટે મિશ્ર પરિણામોની સંભાવના છે. ગુજરાતમાં ભાજપની સ્થિતિ અત્યંત મજબૂત છે; 182 સભ્યોની વિધાનસભામાં161 ધારાસભ્યો સાથે ભાજપ ચારેય બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે. આંધ્રપ્રદેશમાં પણ NDAનું વર્ચસ્વ સ્પષ્ટ છે, જ્યાં TDP, જનસેના અને ભાજપના ગઠબંધન પાસે 164 ધારાસભ્યો છે, જે ચારેય રાજ્યસભા બેઠકો જીતવા માટે પૂરતા છે.

બે બેઠકો જીતવાની મજબૂત શક્યતા

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ભાજપનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની 200 બેઠકોની વિધાનસભામાં ભાજપ પાસે 115 ધારાસભ્યો હોવાથી બે બેઠકો જીતવાની મજબૂત શક્યતા છે, જ્યારે કોંગ્રેસ એક બેઠક જીતી શકે છે. મધ્યપ્રદેશમાં 163 ધારાસભ્યો સાથે ભાજપ બે બેઠકો અને કોંગ્રેસ એક બેઠક મેળવી શકે તેવી સ્થિતિ છે. ઝારખંડમાં 81 સભ્યોની વિધાનસભામાં 'ઇન્ડિયા' ગઠબંધન મજબૂત છે, પરંતુ ભાજપ ત્યાં એક બેઠક જીતવા માટે રણનીતિ બનાવી રહ્યું છે. કર્ણાટકમાં ભાજપ એક બેઠક જીતશે, જ્યારે ચોથી બેઠક ધારાસભ્યોના ક્રોસ-વોટિંગ પર નિર્ભર રહેશે.

શું NDA જાદુઈ આંકડો સ્પર્શશે?

નિષ્ણાતોનું માનવું છે કે આ ચૂંટણીમાં NDA એકાએક બે તૃતીયાંશ બહુમતી સુધી પહોંચી શકે તેમ નથી, પરંતુ ભાજપ અનેક રાજ્યોમાં પોતાની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે. આ ચૂંટણી NDA માટે રાજ્યસભામાં વધુ મજબૂત પકડ બનાવવાની તક છે. રાજ્યસભાના આ આંકડા કેન્દ્ર સરકારને મહત્વના બિલ પસાર કરવામાં અને રાજકીય સ્થિરતા જાળવવામાં મદદરૂપ થશે. ૧૮ જૂનના રોજ જ્યારે પરિણામ જાહેર થશે, ત્યારે દેશના રાજકીય ગલિયારાઓમાં નવો વળાંક જોવા મળી શકે છે. ભાજપની વ્યૂહરચના અને ધારાસભ્યોનું મતદાન નક્કી કરશે કે સરકાર તેમના લક્ષ્યાંકની કેટલે નજીક પહોંચે છે.

આ પણ વાંચોઃ ઇન્ટરનેટ પર AIનું વર્ચસ્વ , બોટ ટ્રાફિકે માણસોને પણ હવે પાછળ છોડ્યા!

  • Follow us on: