અયોધ્યાના રામ મંદિરના દાનની કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)એ પોતાનો ફાઈનલ રિપોર્ટ ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગને સોંપી દીધો છે. રિપોર્ટ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ SITને ચંપત રાય અને અનિલ મિશ્રા સામે દાનની રકમની ચોરીમાં સીધી સંડોવણીના પુરાવા મળ્યા નથી.
ગંભીર બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ સામે આવી
આ કેસમાં અગાઉ SITની પ્રાથમિક તપાસ દરમિયાન મંદિરની દાન ગણતરી પ્રક્રિયામાં ગંભીર બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ સામે આવી હતી. CCTV તપાસ દરમિયાન કર્મચારીઓ દ્વારા રોકડ છુપાવવાના અનેક બનાવો પણ સામે આવ્યા હતા. પ્રાથમિક રિપોર્ટમાં અનિલ મિશ્રાની દેખરેખ અને વહીવટી ભૂમિકા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જ્યારે ચંપત રાયનું નામ પ્રાથમિક રિપોર્ટમાં સીધી રીતે સામેલ નહોતું.
