ભારત 26 જાન્યુઆરીએ પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ ભવ્ય અને ગૌરવભર્યા માહોલમાં ઉજવવા જઈ રહ્યો છે. નવી દિલ્હીના કર્તવ્યના માર્ગ પર યોજાનારી પરેડ આ વર્ષે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તેનું મુખ્ય કેન્દ્રબિંદુ દેશભક્તિ, સ્વતંત્રતાના મૂલ્યો અને આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિ રહેશે. “વંદે માતરમ સ્વતંત્રતાનો મંત્ર”, “વંદે માતરમ સમૃદ્ધિનો મંત્ર” અને “આત્મનિર્ભર ભારત ,આત્મનિર્ભરતાનો મંત્ર” જેવા થીમ્સ દ્વારા ભારતની પ્રગતિની યાત્રા રજૂ કરવામાં આવશે.


કુલ 30 ટેબ્લો રજૂ

આ પરેડમાં કુલ 30 ટેબ્લો રજૂ કરવામાં આવશે. તેમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા 13 વિવિધ મંત્રાલયો અને વિભાગોનું પ્રતિનિધિત્વ જોવા મળશે. દરેક ટેબ્લો ભારતના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસા, લોકપરંપરા, ઇતિહાસ અને વિકાસને અનોખી રીતે રજૂ કરશે. આ સાથે, લગભગ 2,500 કલાકારો દેશના અલગ-અલગ પ્રદેશોની લોકનૃત્ય, સંગીત અને પરંપરાગત કળાઓ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

 આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખાસ મહત્વ

આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખાસ મહત્વ છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે. તેમની હાજરી ભારત અને યુરોપ વચ્ચેના રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકેત આપે છે.

 તેમના ટેબ્લો દ્વારા ખાસ આકર્ષણ

ગયા વર્ષે પરેડમાં ભાગ ન લઈ શકેલા કેટલાક રાજ્યો આ વખતે તેમના ટેબ્લો દ્વારા ખાસ આકર્ષણ ઉભું કરશે. તેમાં આસામ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કેરળ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન અને તમિલનાડુના ટેબ્લો પણ દર્શકોનું ધ્યાન ખેંચશે.

સ્થાનિક કળાઓને વિશેષ મહત્વ

ટેબ્લોમાં પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક કળાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આસામનું ટેબ્લો આશીરકાંડી ગામની પ્રખ્યાત પરંપરાગત હસ્તકલા રજૂ કરશે. ગુજરાત અને છત્તીસગઢ ‘વંદે માતરમ’ થીમને નવીન અને સર્જનાત્મક રીતે રજૂ કરશે. મહારાષ્ટ્રના ટેબ્લોમાં ગણેશોત્સવને આત્મનિર્ભરતાના પ્રતીક તરીકે દર્શાવવામાં આવશે, જ્યારે પશ્ચિમ બંગાળનું ટેબ્લો સ્વતંત્રતા સંગ્રામમાં બંગાળના યોગદાનને ઉજાગર કરશે. આ રીતે, ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ માત્ર એક પરેડ નહીં પરંતુ દેશની એકતા, વૈવિધ્ય, સંસ્કૃતિ અને ભવિષ્યની દ્રષ્ટિનું જીવંત પ્રદર્શન બનશે.

આ પણ વાંચો : Delhi પછી હવે મુંબઈમાં બિહાર ભવન, ₹314 કરોડનો આધુનિક પ્રોજેક્ટ


  • Follow us on: