કોલકાતાના RG Kar મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટ 2024ની રાત્રે 31 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે થયેલા બળાત્કાર અને હત્યાના કેસમાં પશ્ચિમ બંગાળની નવી સરકાર હવે કડક કાર્યવાહી કરી રહી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ તપાસમાં થયેલી કથિત બેદરકારી સામે એક્શન લેતા ત્રણ IPS અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સરકારનું કહેવું છે કે કેસની તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવી હતી.
ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો
RG Kar કેસમાં પીડિતાને 'અભયા' નામથી ઓળખવામાં આવે છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો અને મહિલા સુરક્ષા તથા પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. સુવેન્દુ અધિકારીએ અગાઉ વિધાનસભામાં પીડિતાની માતાને ન્યાય અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. તેમણે મહિલાઓ સામેના ગુનાઓને લઈને સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ હોવાનો દાવો કર્યો હતો. સરકાર તરફથી જણાવાયું હતું કે RG Kar કેસમાં તપાસ દરમિયાન થયેલી ખામીઓ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે.
