ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટી (SP)એ રવિવારે પોતાના વિધાનસભા પ્રભારીઓની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 11 વિધાનસભા બેઠકોના પ્રભારીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. તેમાં બાગપત, ગાઝિયાબાદ, હાથરસ, મથુરા, આગ્રા અને શાહજહાંપુર સહિતના જિલ્લાઓની બેઠકોનો સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, બાગપતની બડૌત બેઠક પરથી સુખેન્દ્ર તોમર, ગાઝિયાબાદની લોની બેઠક પરથી અનિલ કસાના અને ગાઝિયાબાદ વિધાનસભા બેઠક પરથી અભિષેક ગર્ગને જવાબદારી સોંપવામાં આવી છે.
અગાઉ પાંચ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી હતી
સમાજવાદી પાર્ટીએ તાજેતરમાં પાંચ ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી હતી. તેમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇમરાન મસૂદ સાથે જોડાયેલી સહારનપુરની બે વિધાનસભા બેઠકો પર પણ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ નિર્ણયથી ઇમરાન મસૂદ નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈપણ ભોગે પોતાના કોંગ્રેસના ઉમેદવારને મેદાનમાં ઉતારશે.
2027ની ચૂંટણી માટે SPએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી માટે તાજેતરમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કર્યો છે. બંધારણ દિવસના અવસરે પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ ઢંઢેરો જાહેર કર્યો હતો. તેને 'જન-મન કા મેનિફેસ્ટો 2027' અંતર્ગત 'PDA કા પ્રણપત્ર' નામ આપવામાં આવ્યું છે.ચૂંટણી ઢંઢેરામાં આગામી પાંચ વર્ષમાં 25 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું, ખેડૂતોની લોન માફ કરવાનું અને 23 પાક તથા દૂધ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદાકીય ગેરંટી આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો વિસ્તાર કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણી ઢંઢેરામાં કઈ મોટી જાહેરાતો કરવામાં આવી?
SPના ચૂંટણી ઢંઢેરામાં સામાજિક અને આર્થિક વિકાસ ઉપરાંત રોજગાર, શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા અને ખેડૂતોના કલ્યાણ પર ભાર મૂકવામાં આવ્યો છે.મુખ્ય વચનોમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવી, આઉટસોર્સિંગ પ્રથા સમાપ્ત કરવી અને સમાન કામ માટે સમાન વેતનને કાયદાકીય અધિકાર બનાવવાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત શ્રમિકો અને કારીગરો માટે 10 લાખ રૂપિયાનો વીમો, દિવ્યાંગોને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન અને ખેડૂતો તથા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સામાજિક સુરક્ષા યોજનાઓ શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું છે.પાર્ટીએ ખેલાડીઓ, વકીલો, પત્રકારો, પૂર્વ સૈનિકો અને નાના વેપારીઓના કલ્યાણ માટે અલગ-અલગ યોજનાઓ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ Delimitation Bill Live : રાહુલ ગાંધીએ કહ્યું સ્ટાલિનના મનમાં શું છે ખબર નથી, બિલને સમર્થન સિવાય બીજો રસ્તો નથીઃ સ્ટાલિન