આંધ્રપ્રદેશની એક શાળામાં ધોરણ 10ની વિદ્યાર્થિની પર કરવત જેવા હથિયારથી હુમલો તેમજ હરિયાણાના પંચકુલાની સ્કૂલમાં 8 વર્ષના બાળક દ્વારા બાળકી પર પથ્થરો મારીને અત્યાચાર ગુજારવાની ઘટનાઓ બાદ હિંસક ફિલ્મોની વાસ્તવિક જીવનના ગુનાઓ પર થતી અસર અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. આ ઘટનાએ સિનેમામાં હિંસાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ ઘટનાની સરખામણી ‘એનિમલ’ અને ‘ધુરંધર’ જેવી ફિલ્મો સાથે કરી રહ્યા છે.
આ વિવાદ વચ્ચે ફિલ્મ ‘એનિમલ’નું એક ખાસ દૃશ્ય પણ ચર્ચામાં આવ્યું છે. આ દૃશ્યમાં રણબીર કપૂરનું પાત્ર હાથમાં ભરેલી બંદૂક લઈને શાળાના વર્ગખંડમાં પ્રવેશતું જોવા મળે છે.
ટીકાકારો પર ભડક્યા સંદીપ રેડ્ડી વાંગા
ટીકાઓનો જવાબ આપતાં ફિલ્મ નિર્માતા સંદીપ રેડ્ડી વાંગાએ બુધવાર, 4 નવેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી હતી. તેમણે એવા લોકો સામે સવાલ ઉઠાવ્યા હતા, જેઓ આ દુઃખદ ઘટનાનો ઉપયોગ ફિલ્મ નિર્માતાઓ અને તેમનાં કામને નિશાન બનાવવા માટે કરી રહ્યા છે.
તેમણે લખ્યું હતું, "જ્યારે કોઈ વ્યક્તિ ઘૃણાસ્પદ ગુનો કરે છે, ત્યારે સૌથી પહેલાં પીડિત લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ અને સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. સિનેમાને બલિનો બકરો બનાવવો જોઈએ નહીં."
https://x.com/imvangasandeep/status/2117858057262924213?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2117858057262924213%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
ફિલ્મ નિર્માતાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે કેટલાક ટીકાકારો પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સાચી ચિંતા વ્યક્ત કરવાને બદલે આ ભયાનક ઘટનાનો ઉપયોગ પોતાનો અંગત હિસાબ સરભર કરવા માટે કરી રહ્યા છે.
વાંગાએ આગળ લખ્યું હતું, "આ વાત ખાસ કરીને એવા નિષ્ફળ, નિરાશ અને બેરોજગાર અભિનેતા-અભિનેત્રીઓ, કેટલાક દિગ્દર્શકો, નિર્માતાઓ અને એવા લોકો માટે છે, જેઓ બીજાના કામની ટીકા કરવાની તક મળતાં જ પોતાને સમાજ સુધારક જાહેર કરી દે છે."
પોતાની વાત પૂરી કરતાં તેમણે લખ્યું હતું, "આવી દુઃખદ ઘટનાઓ વખતે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ, તકનો લાભ ઉઠાવવો નહીં. આ બંને વચ્ચેનો તફાવત સમજતાં શીખો."
આંધ્રપ્રદેશની શાળામાં શું બન્યું હતું?
આ સમગ્ર વિવાદની શરૂઆત આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલા રાપતાડુની એક શાળામાં થયેલા હુમલા બાદ થઈ હતી. 21 વર્ષીય હેમંત નામનો યુવક કથિત રીતે શાળામાં ઘૂસી ગયો હતો અને ધોરણ 10માં ભણતી 15 વર્ષની વિદ્યાર્થિની પર કરવતથી હુમલો કર્યો હતો.
આ દરમિયાન લક્ષ્મી નામની અન્ય એક વિદ્યાર્થિનીએ વચ્ચે પડીને પીડિતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં તે પણ ઘાયલ થઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી પીડિતાનો જ સગો હોવાનું કહેવાય છે. આરોપ છે કે તે લાંબા સમયથી વિદ્યાર્થિનીનો પીછો કરતો હતો. વિદ્યાર્થિનીએ તેનો પ્રસ્તાવ ઠુકરાવતાં તેણે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
ઘાયલ વિદ્યાર્થિનીની બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.