અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર બન્યા પછી દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા અને દાન આપવા પહોંચી રહ્યા છે. પરંતુ, આ પવિત્ર પરિસરમાંથી અત્યારે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. રામ મંદિરના દાનપાત્રમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની ગંભીરતા જોઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. સોશિયલ મીડિયા પર આ કૌભાંડ 200 કરોડથી લઈને 1400 કરોડ સુધીનું હોવાની ચર્ચા છે. આખરે આટલી ચુસ્ત સુરક્ષા વચ્ચે સવા વર્ષ સુધી આ ચોરી કેવી રીતે ચાલતી રહી? કોણ છે આની પાછળ? અને કેવી રીતે આખા નેટવર્કનો પર્દાફાશ થયો? આવો વિગતવાર સમજીએ આ ખાસ સંદેશ એક્સપ્લેનરમાં.
મહાકુંભ અને માઘ મેળો: ચોરો માટે સુવર્ણકાળ
આરોપ છે કે રામ મંદિરમાં દાનની રકમની ચોરી કોઈ એક-બે દિવસ નહીં, પણ છેલ્લા સવા વર્ષથી અવિરતપણે ચાલી રહી હતી. ગયા વર્ષે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ અને આ વર્ષે માઘ મેળા દરમિયાન જ્યારે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા દર્શન માટે આવ્યા, ત્યારે ચઢાવાની રકમમાં અભૂતપૂર્વ વધારો થયો હતો. ચોરી કરનારા ટોળકી માટે આ સમય લોટરી સમાન સાબિત થયો. આરોપ મુજબ દાનની રકમ ગણવા બેસતા આ શંકાસ્પદ કર્મચારીઓએ ભીડનો ફાયદો ઉઠાવીને એક-એક દિવસમાં 10 થી 15 લાખ રૂપિયા ગાયબ કરવાનું શરૂ કર્યું હતું. પકડાયાના થોડા મહિના પહેલા તો આ કર્મચારીઓએ તમામ મર્યાદાઓ વટાવીને મોટી રકમો પાર કરી દીધી હતી. અધિકારીઓ અને કડક સુરક્ષાકર્મીઓની હાજરી હોવા છતાં, કોઈને પણ આ વાતની કાનોકાન ખબર ન પડી.
કૌભાંડની મોડસ ઓપરેન્ડી: કેવી રીતે થતી હતી ચોરી?
રામ મંદિર જેવા સંવેદનશીલ અને હાઈ-સિક્યોરિટી ઝોનમાંથી આટલી મોટી રકમ ગાયબ કરવી એ કોઈ સામાન્ય બાબત નહોતી. આરોપ મુજબ આ એક અત્યંત આયોજનબદ્ધ ખેલ હતો, જે સુરક્ષાની ખામીઓ અને ભાઈ-ભતીજાવાદના જોરે રમાયો હતો

'ટિન્નુ' નેટવર્ક અને વગદાર સગાવાદ
અહેવાલો મુજબ રામ મંદિરમાં રોજ આવતા કરોડોના ચઢાવાની ગણતરી કરવાની જવાબદારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવી હતી. બેંકે આ કામ એક આઉટસોર્સિંગ કંપનીને આપ્યું. આરોપ મુજબ અહીં જ અસલી ખેલ થયો. આ કંપનીમાં એ જ લોકોને નોકરી પર રાખવામાં આવ્યા જેમના નામ ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારોએ આપ્યા હતા. આમાં 'ટિન્નુ' નામના વ્યક્તિની મુખ્ય ભૂમિકા સામે આવી છે. આરોપ લાગેલા છે તે પ્રમાણે ટિન્નુએ પોતાની વગ વાપરીને પોતાના જ 35 થી 40 સગા-સંબંધીઓને પૈસા ગણવાની નોકરી પર રખાવી દીધા હતા.
ગણતરી પહેલાં જ ખેલ
અહેવાલોમાં આરોપ લગાવાયા છે કે ચોરીની પદ્ધતિ અતિ શાતિર હતી. ગણતરી શરૂ થાય તે પહેલાં તમામ દાનપાત્ર ખોલીને બધી જ રોકડ એક મોટી જગ્યાએ ભેગી કરી દેવાતી. જેના કારણે શરૂઆતમાં કુલ કેટલી રકમ આવી છે તેનો કોઈ ચોક્કસ આંકડો ઓન-રેકોર્ડ હોતો નહોતો. કર્મચારીઓ ગણતરી દરમિયાન જ રકમ પોતાના ગજવામાં કે અન્ય જગ્યાએ સરેશ કરી દેતા અને છેલ્લે જે રકમ વધતી તેનું જ વિવરણ ચોપડે નોંધાતું.
ચેકિંગ વગર અવરજવર
આક્ષેપ તો ત્યાં સુધી થયેલો છે કે ટ્રસ્ટની ભલામણથી નોકરીએ લાગેલા આ કર્મચારીઓ ગળામાં આઈ-કાર્ડ લટકાવીને મંદિરના ખૂણે-ખૂણામાં બેખોફ ફરતા હતા. ટ્રસ્ટના જ ખાસ માણસો હોવાના કારણે સિક્યોરિટી ગાર્ડ્સ પણ ક્યારેય તેમની શારીરિક તપાસ કરતા નહોતા કે ન તો તેમનું પોલીસ વેરિફિકેશન થયું હતું.

ઓછા પગારનો મોટો આશરો
ચોંકાવનારો આરોપ એ છે કે પકડાયેલા કર્મચારીઓ માત્ર 12 હજારથી થી 18 હજાર ના માસિક પગાર પર દિવસ-રાત લાંબી ડ્યુટી કરતા હતા. બેંકના અધિકારીઓને પણ નવાઈ ન લાગી કે આટલા ઓછા પગારમાં આ લોકો આટલી નિષ્ઠાથી કેમ કામ કરે છે! વાસ્તવમાં તેમને પગાર સાથે કોઈ લેવાદેવા જ નહોતી, તેમનો અસલી પગાર તો રોજનો લાખો રૂપિયાનો ચઢાવો હતો.
સીસીટીવી કેમેરાની નિષ્ફળતા
અહેવાલોમાં જે રીતે આરોપ લગાવાયેલા છે તે પ્રમાણે પરિસરમાં સીસીટીવી કેમેરા તો હતા, પરંતુ તેનું રિયલ-ટાઇમ મોનિટરિંગ થતું નહોતું. કેમેરામાં બધું રેકોર્ડ તો થતું હતું પણ કોઈ લાઈવ જોનાર ન હોવાથી ચોરી તરત પકડી શકાતી નહોતી.
કૌભાંડનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?
આ મામલે જે અહેવાલો બહાર આવ્યા છે તેના દ્વારા જાણવા મળે છે કે આરોપ પ્રમાણે આખું પ્રકરણ શરૂઆતમાં ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. જ્યારે ટ્રસ્ટને ચઢાવાની આવકમાં ઘટાડો દેખાયો, ત્યારે આંતરિક રીતે વેરિફિકેશન કરવામાં આવ્યું અને કેટલાક કર્મચારીઓ શંકાના દાયરામાં આવ્યા. ટ્રસ્ટે ગુપ્ત રીતે આ શંકાસ્પદોની પૂછપરછ પણ કરી હતી. પરંતુ આ વિવાદે રાજકીય અને સાર્વજનિક સ્વરૂપ ત્યારે લીધું જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી **અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે લખ્યું કે, રામ મંદિરમાંથી કરોડો રૂપિયાનું દાન ગાયબ થવું એ અત્યંત શરમજનક છે.તેમણે આ મામલે સુપ્રીમ કોર્ટને સુઓમોટો લેવાની માંગ કરી. અખિલેશ યાદવની પોસ્ટ પછી દેશભરમાં હોબાળો મચી ગયો. ચારેતરફથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આખરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને સત્તાવાર તપાસની માંગ કરવી પડી, ત્યારબાદ જ મુખ્યમંત્રીએ SIT ની રચના કરી.
ઉપર સુધી છેડા અડેલા હોવાના પણ લાગ્યા આરોપ
આરોપ લગાવાઇ રહ્યો છે કે માત્ર સામાન્ય કર્મચારીઓની ચોરી નથી, આમાં ઉપર સુધી છેડા અડેલા હોવાની આશંકા છે. અહેવાલો મુજબ આ મામલે લવકુશ મિશ્રા, અવનિશ, અનુકલ્પ, કરુણ અને રમાશંકર નામના પાંચ કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. આ લોકોએ ગુનો કબૂલ્યો છે. લવકુશના ઘરેથી 10-12 લાખ રોકડા અને અવનિશના બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા રિકવર થઈ ચૂક્યા છે. આરોપ લાગ્યો છે કે ખેલનો મુખ્ય સૂત્રધાર ટિન્નુ, તેનો પુત્ર અને ભત્રીજો છે. ટિન્નુ ટ્રસ્ટના એક ખૂબ જ મોટા હોદ્દેદારનો ખાસ માણસ છે. પકડાયેલો રમાશંકર પણ ટિન્નુનો સગો થાય છે.

ટોચના હોદ્દેદારો પર સવાલ
આક્મંષેપ મુજબ તો મંદિરની વ્યવસ્થા સંભાળતા ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ જેવા ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારો સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે. આટલું મોટું કૌભાંડ સવા વર્ષ સુધી ચાલ્યું છતાં આ હોદ્દેદારો કેમ મૌન રહ્યા? હજુ સુધી તેમનું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એસઆઇટી એ પણ તપાસ કરી રહી છે કે શું આ કૌભાંડને ઉચ્ચ સ્તરેથી કોઈ સંરક્ષણ મળેલું હતું કે નહીં. એસબીઆઇ ના જે અધિકારીઓએ આ ભલામણિયા કર્મચારીઓની કામગીરી કે ઓડિટ પર ક્યારેય સવાલ ન ઉઠાવ્યા, તેઓ પણ હવે તપાસના ઘેરામાં છે.
માત્ર રોકડ જ નહીં, સોનાની ગદા અને દાગીના પણ ગાયબ
આરોપ મુજબ કૌભાંડની રકમ સત્તાવાર રીતે કેટલી છે તે હજુ સ્પષ્ટ નથી થયું, કારણ કે ચોરી રેકોર્ડ પર ચઢ્યા પહેલા થતી હતી. પ્રાથમિક તપાસમાં 8 કરોડ રૂપિયાની હેરાફેરીના પુરાવા મળ્યા છે, પરંતુ વાસ્તવિક આંકડો ખૂબ મોટો હોઈ શકે છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે માત્ર રોકડા જ નહીં, પરંતુ શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા સોના-ચાંદીના દાગીના પણ ગાયબ કરાયા છે. એવી પણ ચર્ચા છે કે અસલી સોનાના દાગીના હટાવીને તેની જગ્યાએ નકલી દાગીના ગોઠવી દેવાયા હતા. એટલું જ નહીં, દાનમાં આવેલી 2 કિલો સોનાની ગદા પણ ગાયબ હોવાના અહેવાલો છે.
હવે આગળ શું?
મુખ્યમંત્રીના આદેશથી બનેલી ઉચ્ચ સ્તરીય SIT માં લખનૌના કમિશનર વિજય વિશ્વાસ પંત, IG રેન્જ કિરણ એસ. અને વિશેષ નાણાં સચિવ નીલ રતન સામેલ છે. સરકારની કડક સૂચના છે કે 7 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ અને 15 દિવસમાં ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે. એસઆઇટી એ મંદિરના નાણાકીય દસ્તાવેજો, સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે અને બેંક કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, આ તપાસના બે મુખ્ય પાસા છે - પહેલું, આ ગુનાના મૂળ સુધી પહોંચી દોષિતોને સજા આપવી અને બીજું, ભવિષ્યમાં આવી ઘટના ક્યારેય ન બને તે માટે ફૂલપ્રૂફ ડિજિટલ અને ઓડિટ સિસ્ટમ ઊભી કરવી.
અયોધ્યાથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું
શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ આખા કૌભાંડના કારણે અયોધ્યાથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે ત્યારે જોવાનું એ રહેશે કે એસઆઈટીની તપાસમાં કયા મોટા માથાઓના નામ બહાર આવે છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી