જૂન મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં જે સીઝનમાં આખું ભારત કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોવું જોઈએ, ત્યાં આકાશ સાફ અને ગરમ છે. અંતરિક્ષમાંથી ભારતીય સેટેલાઇટ INSAT-3DS એ જે તસવીરો મોકલી છે તે ચોંકાવનારી છે. દક્ષિણ અને મધ્ય ભારત ઉપર જે વાદળોની ઘટ્ટ ચાદર હોવી જોઈતી હતી, તે નકશામાંથી ગાયબ છે. ચોમાસું કેરળ અને મહારાષ્ટ્ર સુધી સમયસર પહોંચ્યા પછી અચાનક ક્યાં ખોવાઈ ગયું? આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ હવામાનનું એક મોટું સંકટ છે જેને વિજ્ઞાનની ભાષામાં મોન્સૂન પોઝ એટલે કે ચોમાસાનો વિરામ કહેવામાં આવે છે. આ મામલે સંદેશ ડિજીટલ ટીમે હવામાનશાસ્ત્રી સાથે પણ વાત કરી હતી


ન ભેજની કમી, ન સમુદ્ર ઠંડો... તો લોચો ક્યાં છે?

સૌથી મોટો સવાલ એ છે કે સમુદ્રમાં ભરપૂર પાણી છે, હવામાં ભેજ છે, છતાં વરસાદ કેમ નથી પડતો? હવામાન વૈજ્ઞાનિકોના મતે, આ વખતે જમીન પર કોઈ ખામી નથી, પણ પૃથ્વીથી 10 થી 12 કિલોમીટર ઉપર આકાશમાં બે શક્તિશાળી હવાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

પરેશ ગોસ્વામીએ સંદેશ ડિજીટલ સાથે વાત કરી

હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આ મામલે સંદેશ ડિજીટલ સાથે વાત કરતાં કહ્યું હતું કે અલ નીનો હજું વધુ સક્રિય નથી થયું . તે સક્રિય તો ચાલુ ચોમાસામાં થશે . ચોમાસુ અત્યારે વીક પડ્યું છે તે નોર્મલ કન્ડીશન છે. ભુતકાળમાં પણ આવું થયેલું છે કે ચોમાસું મહારાષ્ટ્ર પાસે અટકી ગયું હોય. આ સ્થિતીને મોન્સુન બ્રેક કન્ડીશન કહેવાય જો કે હવે ભેજનું પ્રમાણ અરબ સાગરમાંથી આવશે જેથી 24થી 48 કલાકમાં ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થશે. અલનીનો તો સક્રિય જ નથી. હા તે આગળ જતા નડશે 



ચોમાસાનો અસલી વિલન: 'વેસ્ટર્લી જેટ સ્ટ્રીમ'

આ પશ્ચિમ તરફથી આવતા ગરમ અને સૂકા પવનો છે. સામાન્ય રીતે આ દિવસોમાં આ પવનો ભારતના આકાશથી ઘણા ઉત્તરમાં એટલે કે હિમાલયની પેલે પાર હોવા જોઈએ. પરંતુ આ વખતે તે પોતાની જગ્યા છોડીને દક્ષિણ તરફ સરકી આવ્યા છે અને ભારતના આકાશ પર કબજો જમાવીને બેઠા છે.

ચોમાસાનો અસલી હીરો 'ઇસ્ટર્લી જેટ સ્ટ્રીમ'

આ પૂર્વ તરફથી આવતા ભેજવાળા પવનો છે, જે સમુદ્રના પાણીને વાદળ બનાવીને ભારતીય જમીન તરફ ખેંચી લાવે છે. આ પવનો જ ભારતમાં ચોમાસું લાવે છે.





શું થઈ રહ્યું છે આકાશમાં?

આ વખતે વિલન (વેસ્ટર્લી જેટ) એટલો મજબૂત છે કે તે હીરો (ઇસ્ટર્લી જેટ) નો રસ્તો રોકીને ઊભો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાદળો બને છે ખરા, પણ ઉપર બેઠેલા પશ્ચિમી પવનો એટલું ભારે દબાણ કરે છે કે આ વાદળો ભારતીય જમીન પર પહોંચતા પહેલા જ વિખેરાઈ જાય છે. આ કારણે નકશા પર ચોમાસું આગળ વધેલું દેખાય છે, પણ જમીન પર એક ટીપુંય પડતું નથી.

ખેતી અને દેશના અર્થતંત્ર પર લટકતી તલવાર

ભારતની અર્થવ્યવસ્થા સીધી ખેતી સાથે જોડાયેલી છે અને ખેતી ચોમાસા પર. જૂન મહિનાના આ વિરામથી દેશમાં ચિંતા વધી છે. કપાસ, ડાંગર અને મગફળી જેવા પાકો માટે જૂનનો વરસાદ અમૃત સમાન હોય છે. વરસાદ ન થતાં ખેડૂતો વાવણી કરી શકતા નથી. જો હજુ એક અઠવાડિયું વરસાદ નહીં પડે, તો પાક મોડો થશે, જેનાથી શાકભાજી અને અનાજના ભાવ આસમાને પહોંચી શકે છે.




આશાનું કિરણ: મેઘરાજા ક્યારે મુક્ત થશે?

આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાહતના સમાચાર એ છે કે આ આકાશી અવરોધ કાયમી નથી. હવામાનના વૈશ્વિક મોડલ સંકેત આપી રહ્યા છે કે જૂન મહિનાના આ જ સપ્તાહના અંત સુધીમાં આકાશની સ્થિતિ બદલાશે. પશ્ચિમી પવનો (વેસ્ટર્લી જેટ) ધીમે-ધીમે નબળા પડીને ઉત્તર તરફ હટવા લાગશે. જેવી આ આકાશી દિવાલ તૂટશે, કે તરત જ સમુદ્રના ભેજવાળા પવનો મુક્ત થશે. જૂનના છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં (જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે) ચોમાસાની બીજી ઇનિંગ શરૂ થશે અને ધોધમાર વરસાદ પડશે.



 ચોમાસાની આ બીજી ઇનિંગની રાહ

 પ્રકૃતિ ક્યારેક આવા આશ્ચર્યજનક વળાંકો લે છે. અત્યારે ચોમાસું ભલે આકાશની ગૂંચવણોમાં અટવાયું હોય, પણ જૂનનો અંત આવતા સુધીમાં તે ધરતીને તૃપ્ત કરવા જરૂર પાછું ફરશે. ખેડૂતો અને સામાન્ય જનતાએ ધૈર્ય રાખીને ચોમાસાની આ બીજી ઇનિંગની રાહ જોવી રહી. 


આ પણ વાંચો----    Gujarat Latest News LIVE : ગીર સોમનાથમાં ઉનાની B.Ed કોલેજમાં કૌભાંડ , 3 વર્ષ બોગસ રીતે કોલેજ ચાલ્યાનો આરોપ

  • Follow us on: