રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા શ્રી સાંવલિયા શેઠ મંદિરમાં ભક્તોની શ્રદ્ધા અનોખી રીતે છલકાઈ રહી છે. શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન દેશ-વિદેશથી આવેલા લાખો ભક્તોએ સાંવલિયા શેઠના દરબારમાં મુક્ત હાથે દાન કર્યું છે. મંદિરની દાનપેટીઓ (ભંડાર) ખોલ્યા બાદ તેની ગણતરીના છ રાઉન્ડ પૂરા થયા છે, જેમાં અકલ્પનીય દાન રાશિ સામે આવી છે. આ વખતે ભગવાનના દરબારમાં રોકડ રૂપિયા ઉપરાંત સોના અને ચાંદીનો ભંડાર પણ ઉભરાયો છે, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ભંડારમાંથી મળ્યા ₹35.66 કરોડ

મંદિર બોર્ડ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, 11 ઓગસ્ટથી શરૂ થયેલી દાનપેટીઓની ગણતરી તાજેતરમાં સંપન્ન થઈ છે. આ ગણતરી દરમિયાન ભંડારમાંથી કુલ ₹35.66 કરોડથી વધુની માતબર રકમ પ્રાપ્ત થઈ છે. આ કુલ આંકડામાં ભંડારની રોકડ રકમ ઉપરાંત મનીઓર્ડર, ઓનલાઈન માધ્યમો અને સીધા દાન દ્વારા આવેલા લગભગ ₹7.77 કરોડનો પણ સમાવેશ થાય છે. માત્ર ભંડારની પેટીઓમાંથી જ અંદાજે ₹27.89 કરોડથી વધુની રોકડ ગણવામાં આવી છે.

30 કિલો વધુ ચાંદીનું દાન મળ્યું 

આ દાનની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે શ્રાવણ મહિનામાં ભક્તોએ સોના અને ચાંદીનું પણ ભારોભાર દાન કર્યું છે. મંદિરની તિજોરી અને પ્રસાદ ખંડમાંથી કરવામાં આવેલી ગણતરી મુજબ, આ વખતે કુલ 133 કિલોગ્રામથી વધુ ચાંદી અને 1 કિલો 38 ગ્રામ જેટલું શુદ્ધ સોનું પ્રાપ્ત થયું છે. ગત વખતની સરખામણીએ આ વખતે આશરે 30 કિલો વધુ ચાંદીનું દાન મળ્યું છે, જે ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવની સાક્ષી પૂરે છે.

સાંવલિયા શેઠ પ્રત્યે લોકોની આસ્થા

સાંવલિયા શેઠના દરબારમાં થયેલી આ નાણાકીય અને કિંમતી ધાતુઓની વર્ષા હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે. મંદિર પ્રશાસન દ્વારા આ તમામ રકમ અને કિંમતી ચીજવસ્તુઓની સુરક્ષિત નોંધણી કરીને તેને મંદિરના વિકાસ કાર્યો તથા વ્યવસ્થાઓ પાછળ ઉપયોગમાં લેવામાં આવશે. ભક્તોનો આ અપાર પ્રેમ સાબિત કરે છે કે સાંવલિયા શેઠ પ્રત્યે લોકોની આસ્થા દિવસ-પ્રતિદિન વધુ ગાઢ બની રહી છે.

આ પણ વાંચોઃ Google Maps in China: ચીનમાં લોકો ગૂગલ મેપ્સ નહીં તો પછી કઇ એપ્સ દ્વારા ડેસ્ટિનેશન પર પહોંચે છે લોકો?