Satyendra Jain: આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ પાણી મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈનને મોટી રાહત મળી છે; રાઉઝ એવન્યુ કોર્ટે તેમને જામીન આપ્યા છે. દિલ્હી જલ બોર્ડ (DJB) ના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સંબંધિત કથિત ભ્રષ્ટાચાર અને ટેન્ડર ગેરરીતિઓના કેસમાં જૈનની દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
₹2 લાખના વ્યક્તિગત બોન્ડ પર જામીન
સુનાવણી દરમિયાન સત્યેન્દ્ર જૈનનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ એન. હરિહરને દલીલ કરી હતી કે કેસ નોંધાયાના 27 મહિના પછી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન, જૈનને ફક્ત એક જ વાર પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું, અને બીજી વાર સમન્સ મોકલવામાં આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જૈનના વકીલે જણાવ્યું હતું કે કેસમાં તમામ પુરાવા દસ્તાવેજી સ્વરૂપના છે અને તપાસ એજન્સીઓ દ્વારા તમામ સંબંધિત સામગ્રી પહેલાથી જ જપ્ત કરવામાં આવી છે. તેનાથી વિપરીત ACB એ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન એક રીઢો ગુનેગાર છે અને દલીલ કરી હતી કે જામીન અરજી પર નિર્ણય લેતી વખતે આ મુદ્દાઓ પર વિચાર કરવો જોઈએ. કોર્ટે ₹2 લાખના બે જામીન રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
18 ઓગસ્ટના રોજ ધરપકડ થઈ
ACB એ જૈન સહિત કુલ છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં સત્યેન્દ્ર કુમાર જૈન (ભૂતપૂર્વ જળ મંત્રી, GNCTD), ઉદિત પ્રકાશ રાય (IAS, દિલ્હી જળ બોર્ડના ભૂતપૂર્વ CEO), અંકિત શ્રીવાસ્તવ (ભૂતપૂર્વ કરાર આધારિત સલાહકાર, દિલ્હી જળ બોર્ડ), નાગેન્દ્ર યાદવ (મેસર્સ AN એન્ટરપ્રાઇઝના માલિક), રાજા કુમાર કુર્રા (મેસર્સ યુરોટેક એન્વાયર્નમેન્ટ પ્રા. લિ.ના માલિક) અને પંકજ વર્મા (મેસર્સ શ્રીજનહરના માલિક)નો સમાવેશ થાય છે.
આ મામલો 11 મે, 2024 ના રોજ નોંધાયેલ FIR નંબર 10/2024 સાથે સંબંધિત છે. FIR ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ ની વિવિધ કલમો તેમજ IPC ની કલમ ૪૨૦, ૪૦૯, ૪૧૮ અને ૧૨૦-B હેઠળ નોંધવામાં આવી હતી. દિલ્હી સરકારના સતર્કતા નિયામક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે શરૂ કરાયેલી તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એસીબીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એકત્ર કરાયેલા દસ્તાવેજી, ઇલેક્ટ્રોનિક અને નાણાકીય પુરાવાના આધારે તમામ છ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ, 18 ઓગસ્ટ, 2026 ના રોજ, કાયદા અનુસાર તમામ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Madhya Pradeshમાં વરસાદ બન્યો આફત... બરગી ડેમ ઓવરફ્લો! સતનામાં બે યુવક તણાયા