CBSE તાજેતરમાં અનેક વિવાદોમાં ફસાયેલું છે અને આ બધા કેસ હવે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે. CBSE ની ત્રણ ભાષાની નીતિ પર સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ નવમા ધોરણમાં ત્રીજી ભાષા સામેલ કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે આ બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે બિનજરૂરી તણાવમાં વધારો કરે છે. મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી, જેમાં રાજ્ય સરકારને રાજ્યના દરેક જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય (JNV) ખોલવાને સમર્થન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

તમિલનાડુ સરકાર કરી રહી છે વિરોધ

તમિલનાડુ સરકાર સતત ત્રણ ભાષાની નીતિનો વિરોધ કરી રહી છે. આ જ કારણ છે કે નવોદય શાળાઓ પણ અહીં વિરોધનો સામનો કરી રહી છે, કારણ કે આ શાળાઓ 3 ભાષાની નીતિ લાગુ થાય છે. આ સમગ્ર કેસમાં 3 ભાષાની નીતિનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ ન્યાયાધીશ નાગરત્નાએ ત્રીજી ભાષા અંગે કડક ટિપ્પણી કરતા કહ્યું છે કે, ત્રીજી ભાષા ક્યારે શીખવવી જોઈએ. જસ્ટિસ નાગરત્ને કેન્દ્ર સરકારને કહ્યું હતું કે આ નીતિ નવમા ધોરણથી નહીં પણ છઠ્ઠા ધોરણથી લાગુ થવી જોઈએ.

પહેલાથી જ ચાલી રહી છે સુનાવણી

સીબીએસઈની આ ત્રણ ભાષા નીતિને એક અલગ જાહેર હિતની અરજી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. બેન્ચે હાલમાં CBSE નીતિ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે અને આગામી અઠવાડિયા માટે સુનાવણી નક્કી કરી છે.

ત્રણ ભાષા નીતિ હિન્દીને ફરજિયાત બનાવતી નથી

તમિલનાડુ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે જણાવ્યું હતું કે રાજ્યનો વાંધો ફક્ત ત્રણ-ભાષા નીતિ સામે છે. ન્યાયાધીશ નાગરત્નાએ જવાબ આપ્યો કે નીતિ હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવતી નથી. તેમણે કહ્યું, "રાજ્યની ભાષા શીખવવી જોઈએ, અંગ્રેજી શીખવવી જોઈએ અને કોઈપણ ત્રીજી ભાષા શીખવી શકાય છે. તે ક્યાંય કહેતું નથી કે ભાષા હિન્દી હોવી જોઈએ."

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જતી બે બોટ ડૂબી! જેમાં 500થી વધુ લોકોના મોતની આશંકા