ઈન્ડિયન પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (iPAC) મામલે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કડક ટિપ્પણી કરતા તેમની ઝાટકણી કાઢી છે. આ કેસમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે મુખ્યમંત્રીનું વર્તન લોકતંત્ર માટે જોખમરૂપ બની શકે છે અને બંધારણીય વ્યવસ્થાને નબળી પાડે તેવી સ્થિતિ ઉભી કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વર્તમાન મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે, જે અસાધારણ છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બંધારણના નિષ્ણાતોએ પણ આવી પરિસ્થિતિની કલ્પના કરી નહીં હોય.

ED દ્વારા ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ

કોર્ટના મતે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો છે, જે ન્યાયપ્રક્રિયા પર સીધો હસ્તક્ષેપ ગણાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો માત્ર કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ નથી, પરંતુ સંસ્થાઓની સ્વતંત્રતા અને કાયદાના શાસનનો પ્રશ્ન છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે તપાસ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની દખલબાજી સ્વીકાર્ય નથી. જો કોઈ ઉચ્ચ પદ પર રહેલા વ્યક્તિ દ્વારા તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ થાય તો તે લોકતંત્રના મૂળભૂત સિદ્ધાંતોને નુકસાન પહોંચાડે છે.

રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો

સુપ્રીમ કોર્ટે ચેતવણી આપતા કહ્યું કે તપાસ એજન્સીઓના કાર્યમાં અવરોધ ઉભો કરવો અથવા તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવો ગંભીર બાબત છે અને તેને હળવાશથી લેવામાં નહીં આવે. આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે, જ્યારે કાનૂની નિષ્ણાતો તેને લોકતંત્ર અને બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતા સાથે જોડીને મહત્વપૂર્ણ ચુકાદો માની રહ્યા છે.

આ પણ વાંચો : Tamilnadu-West Bengal ચૂંટણીમાં EVM સાથે છેડછાડ પર ચૂંટણી પંચ સખ્ત, આપી આ ચેતવણી