પશ્ચિમ એશિયામાં વધી રહેલા સુરક્ષા જોખમની અસર હવે હવાઈ મુસાફરી પર પણ જોવા મળી રહી છે. ભારતની એરલાઇન ઇન્ડિગોએ સાઉદી અરેબિયાના ચાર મહત્ત્વના શહેરો માટેની પોતાની તમામ આવતી-જતી ફ્લાઇટ્સ 30 નવેમ્બર, 2026 સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સાઉદી અરેબિયા જવા-આવવા ઇચ્છતા ભારતીય મુસાફરો, ખાસ કરીને ઉમરાહ યાત્રીઓની મુશ્કેલી વધી શકે છે.
અગાઉની સમયમર્યાદા પણ લંબાવી
ઇન્ડિગોએ અગાઉ 10 નવેમ્બરે જાહેર કરેલી સૂચનામાં જેદ્દાહ અને મદિનાની ફ્લાઇટ્સ 21 નવેમ્બર સુધી, જ્યારે રિયાધ અને દમ્મામની ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી રદ રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ 18 નવેમ્બરના નવા અહેવાલ પ્રમાણે એરલાઇને હવે ચારેય શહેરો માટેની ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી રદ કરી છે. એટલે જેદ્દાહ અને મદિના માટે પણ અગાઉ નક્કી કરેલી સમયમર્યાદા લંબાવવામાં આવી છે. ઇન્ડિગો તરફથી અસરગ્રસ્ત મુસાફરોને ટિકિટ બુકિંગ વખતે આપેલા મોબાઇલ નંબર અને ઇમેઇલ પર જાણ કરવામાં આવી રહી છે. એરલાઇને કહ્યું છે કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને મુસાફરો તથા કર્મચારીઓની સુરક્ષા તેની સૌથી મોટી પ્રાથમિકતા છે.
https://x.com/IndiGo6E/status/2123035045107737079?a=xav8bncPfHUaIgZIvWA&s=20
સાઉદી અરેબિયામાં મિસાઇલ અને ડ્રોન હુમલાનું જોખમ
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સાઉદી અરેબિયામાં વધતી સુરક્ષા ચિંતાઓ છે. યમનના હૂતી વિદ્રોહીઓ અને સાઉદી અરેબિયા વચ્ચે ફરી તણાવ વધ્યો છે. હૂતી જૂથ દ્વારા સાઉદી અરેબિયાના મહત્ત્વના સ્થળોને નિશાન બનાવી મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યાના દાવા કરવામાં આવ્યા છે. 8 નવેમ્બરે સાઉદી અરેબિયાના ઊર્જા મંત્રાલયે પણ રિયાધમાં સાઉદી અરામકોની એક વહીવટી ઇમારત પર હુમલાનો પ્રયાસ થયાની પુષ્ટિ કરી હતી. આ ઘટનામાં પડેલા કાટમાળથી ઇમારતને સામાન્ય નુકસાન થયું હતું, જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ પોતાના ઉડાન સમયપત્રક અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહી છે. ઇન્ડિગોએ પણ મુસાફરો અને વિમાનના ક્રૂની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
એર ઇન્ડિયા અને અકાસાએ પણ ફ્લાઇટ્સ બંધ કરી
સાઉદી અરેબિયાની સુરક્ષા સ્થિતિને કારણે માત્ર ઇન્ડિગો જ નહીં, અન્ય ભારતીય એરલાઇન્સે પણ પોતાની સેવાઓમાં ફેરફાર કર્યા છે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે રિયાધ અને દમ્મામની ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી બંધ રાખી છે. જેદ્દાહ માટે તેમની સેવાઓ પર પણ અલગ સમયમર્યાદા લાગુ છે. અકાસા એરએ પણ જેદ્દાહ અને રિયાધની ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત રાખી છે. આમ, સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે હવાઈ મુસાફરી કરતા લોકો માટે મુશ્કેલી વધી છે.
મુસાફરોએ શું ધ્યાન રાખવું?
જે મુસાફરોએ ઇન્ડિગોની ફ્લાઇટમાં જેદ્દાહ, મદિના, રિયાધ કે દમ્મામ જવા અથવા ત્યાંથી ભારત આવવા માટે ટિકિટ બુક કરાવી છે, તેમણે એરલાઇન તરફથી મળતા સંદેશા અને ઇમેઇલ તપાસતા રહેવું જોઈએ. મુસાફરોએ એરપોર્ટ જતાં પહેલાં પોતાની ફ્લાઇટની સ્થિતિ ઇન્ડિગોની સત્તાવાર વેબસાઇટ અથવા ગ્રાહક સેવા દ્વારા ચકાસી લેવી જોઈએ. ટિકિટમાં ફેરફાર, રિફંડ અથવા અન્ય મુસાફરી વ્યવસ્થા માટે એરલાઇનનો સંપર્ક કરવો જરૂરી છે.
હાલની સ્થિતિને જોતા 30 નવેમ્બર પછી ફ્લાઇટ્સ ફરી શરૂ થશે કે નહીં તે અંગે કોઈ અંતિમ ખાતરી નથી. એરલાઇન સુરક્ષા સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેશે.
આ પણ વાંચો: Azam Khan News: સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન ડાસના જેલમાંથી મુક્ત, પુત્રો સાથે રામપુર જવા થયા રવાના