ઉત્તર ભારતમાં શરૂ થયેલા પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ સમગ્ર દેશમાં ભગવાન શિવની ભક્તિનું અદ્ભુત વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, જે સનાતન પરંપરામાં અત્યંત પવિત્ર અને મહિમાવાન માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે, કારણ કે આ પવિત્ર માસમાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી.
શ્રાવણનો પહેલો સોમવાર
આજના આ શુભ અવસરે ગુજરાતથી લઈને કાશી અને ઓડિશા સુધીના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ગુજરાતમાં અરબી સમુદ્રના કિનારે બિરાજેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને સવારથી જ શિવભક્તો પહોંચી રહ્યા છે. મુક્તિ નગરી કાશીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન વિશ્વેશ્વરની ભવ્ય મંગળા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈને ધન્યતા અનુભવી હતી.
https://twitter.com/ANINewsUP/status/2084061699523711449
ગૌરી શંકર મંદિરમાં પણ શ્રદ્ધાનું પૂર ઉમટ્યું
દેશની રાજધાની દિલ્હીના પ્રખ્યાત ચાંદની ચોક સ્થિત ગૌરી શંકર મંદિરમાં પણ શ્રદ્ધાનું પૂર ઉમટ્યું હતું. સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શિવલિંગ પર જલાભિષેક કરી, દૂધ, બેલપત્ર અને ફૂલો ચઢાવીને ભક્તોએ ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" અને "બમ બમ ભોલે" ના ગુંજતા નાદોથી પવિત્ર બની ગયું હતું.
https://twitter.com/ANI/status/2084073906969936297
https://twitter.com/ANI/status/2084076394519392480
લોકનાથ મંદિરમાં પણ ભક્તોએ વિશેષ પ્રાર્થના કરી
આ ઉપરાંત, ઓડિશાના પુરી સ્થિત ઐતિહાસિક લોકનાથ મંદિરમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિશેષ પ્રાર્થના કરી હતી. ઝારખંડના પ્રસિદ્ધ દેવઘર સ્થિત બાબા વૈદ્યનાથ ધામમાં પણ શ્રાવણના પહેલા સોમવારે ભક્તોનો અભૂતપૂર્વ પ્રવાહ જોવા મળ્યો છે. અહીં કાવડિયાઓ અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. સુરક્ષા અને વ્યવસ્થા અંગે વાત કરતા દેવઘરના પોલીસ અધિક્ષક પ્રવીણ પુષ્કરે જણાવ્યું હતું કે, આજના દિવસે અંદાજે બે થી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને પોલીસ જવાનો ગત રાત્રિથી જ ખડેપગે તૈનાત છે. આ પ્રકારે, દેશના ખૂણે-ખૂણે આવેલા શિવાલયોમાં શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે, જ્યાં દરેક ભક્ત શિવજીની આરાધનામાં લીન થઈને પવિત્રતાનો અનુભવ કરી રહ્યો છે.
https://twitter.com/ANI/status/2084090633829159079
આ પણ વાંચોઃ Jharkhand : JPSC-JSSC ભરતી પરીક્ષાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિદ્યાર્થીઓના આંદોલનને CJPએ આપ્યો ટેકો