સોનિયા ગાંધીના પુસ્તકમાં સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર અંગે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિવાદ ઊભો થયો છે. સાવરકરના પ્રપૌત્ર સત્યકી સાવરકરે આ ટિપ્પણી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ સોનિયા ગાંધી સામે કાનૂની કાર્યવાહી કરશે.
સત્યકી સાવરકરે જાહેર કરેલા એક વીડિયોમાં કહ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી તેમને આ મુદ્દે અનેક સંદેશા અને ફોન આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ એક પુસ્તક લખ્યું છે, જેમાં વિનાયક દામોદર સાવરકર વિશે કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી છે, જે વાંધાજનક છે.
તેમણે વધુમાં કહ્યું કે, "સૌપ્રથમ તો મેં આ પુસ્તક વાંચ્યું નથી. હું કર્ણાટકમાં વિનાયક દામોદર સાવરકર વિશે ભાષણ આપવા અને પ્રવાસ કરવામાં વ્યસ્ત હતો, તેથી મને પુસ્તક વાંચવાની તક મળી નથી. જોકે, પુસ્તકમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ અને તેના સંદર્ભો મારા સુધી પહોંચ્યા છે."
સત્યકી સાવરકરે કાનૂની કાર્યવાહી કરવાની આપી ચીમકી
સત્યકી સાવરકરે કહ્યું કે આ મામલે તેઓ પોતાના વકીલ સંગ્રામ કોલ્હટકરનો સંપર્ક કરી રહ્યા છે. તેમની સાથે ચર્ચા કર્યા બાદ જો તેમને લાગશે કે પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પાયાવિહોણી છે, તેમાં કોઈ તથ્ય નથી અને તેના સમર્થનમાં કોઈ પુરાવા પણ નથી, તો તેઓ સોનિયા ગાંધી સામે ચોક્કસ કાનૂની કાર્યવાહી કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, "રાહુલ ગાંધીએ પણ સાવરકર વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. તેના કારણે મેં તેમની સામે દાવો દાખલ કર્યો છે, જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. સોનિયા ગાંધીના કિસ્સામાં પણ મારું કહેવું છે કે જો તેમની ટિપ્પણીઓમાં કોઈ તથ્ય નહીં મળે તો હું તેમને પણ ચોક્કસ કોર્ટમાં લઈ જઈશ."
શિંદે જૂથનાં નેતા નિલમ ગોરેએ પણ આપી પ્રતિક્રિયા
આ મામલે શિંદે જૂથનાં નેતા નિલમ ગોરેએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોનિયા ગાંધીના પુસ્તકમાં સાવરકર વિશે કરવામાં આવેલી વાતોને દંભી ગણાવી છે. નિલમ ગોરેએ ઉદ્ધવ ઠાકરેને પડકાર આપ્યો છે કે તેઓ સોનિયા ગાંધીએ સાવરકર વિશે પુસ્તકમાં લખેલી વાતો અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરે.
તેમણે કહ્યું, "જો સોનિયા ગાંધીના પુસ્તકમાં સાવરકર વિશે કંઈ લખવામાં આવ્યું હશે તો અમે તેના પર ચોક્કસ બોલીશું."
બીજી તરફ, ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે સ્પષ્ટ કર્યું છે કે સાવરકર અંગેના તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.
જયકુમાર ગોરેએ કહ્યું, "મેં આ પુસ્તક જોયું નથી અને મારે તે વાંચવું પણ નથી. જો તેમને કેટલીક વાતો વાંધાજનક લાગી હોય તો તેમને તેના વિશે બોલવાનો અધિકાર છે."