ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બાંથરા વિસ્તારમાં એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાનપુર બાદ હવે લખનૌમાં સ્પીડના શોખીન એક સગીર વિદ્યાર્થીએ રસ્તા પર ભારે તબાહી મચાવી છે. આ અકસ્માતમાં એક 6 વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈનું પણ હૃદય ધ્રૂજી ઉઠે તેમ છે.

અતિશય સ્પીડથી આવી રહી હતી કાર

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક સફેદ રંગની સ્વિફ્ટ કાર લખનૌ-કાનપુર હાઈવે પર અતિશય ઝડપે જઈ રહી હતી. અચાનક કારનું ટાયર ફાટ્યું હતું, પરંતુ સ્પીડ વધુ હોવાને કારણે કાર ઉભી રહેવાને બદલે બેકાબૂ બની ગઈ હતી. કારે સૌથી પહેલા એક બાઈકને ટક્કર મારી, ત્યારબાદ તે ઓટો-રિક્ષા, ઇ-રિક્ષા અને એક ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આટલેથી ન અટકતા, કાર રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીઓ પર ફરી વળી હતી અને લગભગ 100 મીટર સુધી લોકોને કચડતી આગળ વધી હતી.

કાર ચલાવનાર 12માં ધોરણનો વિદ્યાર્થી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કાર ચલાવનાર 12મા ધોરણનો વિદ્યાર્થી હતો. તે પોતાની શાળાના ફેરવેલ માંથી પરત ફરી રહ્યો હતો. કારમાં તેની સાથે એક છોકરી પણ બેઠેલી હતી. અકસ્માત બાદ વિદ્યાર્થી ડરના માર્યા ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો, જ્યારે પોલીસે તેની સાથે રહેલી છોકરીને કસ્ટડીમાં લીધી છે. જાણવા મળ્યું છે કે આ કાર એક સ્થાનિક ગામના સરપંચની હતી, જે તેમના પુત્રના મિત્રએ ઉછીની લીધી હતી.

સીસીટીવી ફૂટેજમાં કેદ થયો 'કાળ'

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કાર એટલી ઝડપે હતી કે ટાયર ફાટ્યા પછી તે રસ્તા પર જિગ-જેગ રીતે દોડવા લાગી હતી. રસ્તા પર ચાલી રહેલા નિર્દોષ લોકો, જેમાં મહિલાઓ અને બાળકો સામેલ હતા, તેમને હવામાં ફંગોળી દીધા હતા.6 વર્ષની બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ફરાર વિદ્યાર્થીની શોધખોળ શરૂ
લખનૌ પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર વિદ્યાર્થીની શોધખોળ તેજ કરી છે. પોલીસે વાહન જપ્ત કરી લીધું છે અને જે સરપંચની આ કાર હતી તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હિટ એન્ડ રનની આ ઘટનાએ ફરી એકવાર સગીર વયના બાળકોને વાહન આપતા વાલીઓ સામે લાલબત્તી ધરી છે.