પહેલેથી જ નાણાકીય સંકટનો સામનો કરી રહેલી સ્પાઈસજેટ સામે હવે એક નવો પડકાર આવી ઊભો છે. દુબઈ એરપોર્ટ્સે લગભગ 14 મિલિયન યુએઈ દિરહામ (આશરે ₹35.85  કરોડ)ની ચૂકવણી ન થવાને કારણે એરલાઈનની ચેક-ઈન સેવાઓ સ્થગિત કરી દીધી છે. જોકે, એરલાઈનનું કહેવું છે કે તેઓ આ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે દુબઈ એરપોર્ટ્સ, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ બંનેની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

દિલ્હી એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર 

દિલ્હી એરપોર્ટે આજે મુસાફરો માટે એક સૂચના જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે: "કૃપા કરીને નોંધ લો કે સ્પાઈસજેટને આવી રહેલી કામગીરી સંબંધિત મુશ્કેલીઓને કારણે કેટલીક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ તેમની ફ્લાઈટની સ્થિતિ અને મુસાફરીના આયોજન અંગેની નવીનતમ માહિતી માટે સીધા સ્પાઈસજેટનો સંપર્ક કરે. તમારી ધીરજ અને સમજણ બદલ આભાર."

એક અહેવાલ મુજબ 12 નવેમ્બરના રોજ નિર્ધારિત સ્પાઈસજેટની ચાર ફ્લાઈટ્સ જે અમૃતસર, જયપુર, મુંબઈ અને દિલ્હી જવાની હતી તે રદ કરવામાં આવી હતી. એરલાઈનના એક આંતરિક સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ-હેન્ડલિંગ કંપની 'ડનાટા' (dnata) ને બાકી રકમની ચૂકવણી ન થવાને કારણે આ પગલું લેવાયું છે.  વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ચાર ફ્લાઈટ્સ 'ફેરી સર્વિસ' (મુસાફરો વગર) તરીકે સંચાલિત થશે.

દુબઈ એરપોર્ટ દ્વારા ચેક-ઈન સેવાઓ સ્થગિત કરવામાં આવી તે પહેલાં, અમદાવાદ અને દિલ્હી જતી ફ્લાઈટ્સ માટે ચેક-ઈનની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ, એરલાઈનના સ્ટેશન મેનેજરે ફ્લાઈટ ઓપરેશન્સ ટીમને સૂચના આપી કે જ્યાં સુધી સમસ્યા ઉકેલાય નહીં ત્યાં સુધી દુબઈથી ઉપડતી અન્ય ફ્લાઈટ્સ રદ કરવામાં આવે.

દુબઈ એરપોર્ટ્સે સ્પાઈસજેટને ઈમેલ કર્યો 

અહેવાલ મુજબ 12 નવેમ્બરે દુબઈ એરપોર્ટ્સે સ્પાઈસજેટને એક ઈમેલ મોકલીને જણાવ્યું હતું કે 13 ઓક્ટોબરથી તેમને કોઈ ચૂકવણી મળી નથી અને બાકી રકમ ૧૪ મિલિયન યુએઈ દિરહામ (AED) સુધી પહોંચી ગઈ છે. ચૂકવણીની શરતોનું સતત પાલન ન થવાને કારણે, દુબઈ એરપોર્ટ્સે સંકેત આપ્યો કે વધુ નાણાકીય જોખમ ઘટાડવા માટે તેઓ ચેક-ઈન સેવાઓ સ્થગિત કરશે. સ્પાઈસજેટના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરલાઈન આ મામલાના ઉકેલ માટે સંબંધિત સત્તાવાળાઓ સાથે કામ કરી રહી છે. "અમારી પાસે પૂરતી બેંક ગેરંટી કવરેજ છે અને અમે આ સમસ્યાને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ."

સ્પાઈસજેટના કાફલામાં હવે માત્ર 12 વિમાનો 

એક મીડિયા અહેવાલ  મુજબ, સ્પાઈસજેટના કાફલામાં હવે આશરે 12 વિમાનો જ બાકી રહ્યા છે, જેમાંથી માત્ર નવ વિમાનો જ કાર્યરત સ્થિતિમાં છે. આના કારણે મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીનો સ્થાનિક બજાર હિસ્સો (domestic market share) જાન્યુઆરીમાં 3.9 % હતો, જે સપ્ટેમ્બરમાં ઘટીને 0.6 % થઈ ગયો છે. સપ્ટેમ્બરમાં સ્પાઈસજેટ દ્વારા આશરે 73000 સ્થાનિક મુસાફરોએ મુસાફરી કરી હતી, જ્યારે જાન્યુઆરીમાં આ સંખ્યા લગભગ 595000 હતી.