એનડીએ સંસદીય દળની બેઠકમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા કામોનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. તેમણે રોજગાર સર્જન, અર્થવ્યવસ્થા, સામાજિક સુરક્ષા અને રમત ક્ષેત્રમાં થયેલી પ્રગતિ અંગે આંકડાઓ સાથે માહિતી આપી હતી.
વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી
ડૉ. માંડવિયાએ જણાવ્યું કે સરકાર માત્ર યોજનાઓની જાહેરાત સુધી મર્યાદિત રહી નથી, પરંતુ રોજગાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ પરિવર્તન, આરોગ્ય, કૃષિ, મહિલા સશક્તિકરણ અને ગરીબ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં વ્યાપક કામગીરી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ ભારતે GDP, નાગરિકોની ખરીદ ક્ષમતા અને રોજગાર તકોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
યુવાનોની રોજગાર યોગ્યતામાં પણ 66 ટકાનો વધારો
વર્ષ 2014થી 2024 દરમિયાન દેશમાં 17.1 કરોડ નવી રોજગારી સર્જાઈ છે. જ્યારે 2003થી 2014 દરમિયાન આ આંકડો 2.9 કરોડ હતો. સરકારના દાવા મુજબ આ સમયગાળા દરમિયાન યુવાનોની રોજગાર યોગ્યતામાં પણ 66 ટકાનો વધારો થયો છે. સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવનાર લોકોની સંખ્યા 2015ના 25 કરોડથી વધીને 2026માં 101 કરોડથી વધુ થઈ હોવાનું જણાવાયું.
મંત્રીઓએ મનસુખ માંડવિયાની આ રજૂઆતની પ્રશંસા કરી
માંડવિયાએ રમત ક્ષેત્રની ઉપલબ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘ખેલો ઈન્ડિયા’, ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને TOPS જેવી યોજનાઓના કારણે ખેલાડીઓના પ્રદર્શન અને મેડલ સંખ્યામાં વધારો થયો છે. સરકારના જણાવ્યા મુજબ, 2016, 2020 અને 2024ના ત્રણ ઓલિમ્પિકમાં ભારતે કુલ 15 મેડલ જીત્યા છે.
નવી 'ખેલો ઈન્ડિયા યોજના (2026-31)' અંગે પણ માહિતી આપવામાં આવી હતી. જેમાં રમતગમત માટેના બજેટને 3,790 કરોડ રૂપિયાથી વધારીને 29,054 કરોડ રૂપિયા કરવાની અને ખેલાડીઓની સંખ્યા 2,745થી વધારીને લગભગ 27,000કરવાની યોજના દર્શાવવામાં આવી છે. એનડીએ સાંસદો અને મંત્રીઓએ મનસુખ માંડવિયાની આ રજૂઆતની પ્રશંસા કરી હતી. બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ અને તેના પરિણામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : PM Modi Selfie Video: PMનો વીડિયો હટાવવા બદલ માર્ક ઝકરબર્ગને થયો પસ્તાવો, માગી માફી