પોતાની આક્રમક બેટિંગથી વિશ્વના દિગ્ગજ બોલરોના હોશ ઉડાવી દેનાર 'બેબી બોસ' તરીકે પ્રખ્યાત વૈભવ સૂર્યવંશી હવે મેનેજમેન્ટના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવતા જોવા મળશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) ઇન્દોરે માત્ર 15 વર્ષની નાની ઉંમરના આ ઉભરતા ક્રિકેટરની અસાધારણ સફરને પોતાની કેસ સ્ટડીમાં સામેલ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

વૈભવ સૂર્યવંશી પર થશે કેસ સ્ટડી 

‘વૈભવ મોડલ’ પર આધારિત આ દેશનો પ્રથમ એવો મલ્ટી-ડિસિપ્લિનરી (બહુ-વિષયક) અભ્યાસ હશે. જેમાં રમતગમત, મનોવિજ્ઞાન અને મેનેજમેન્ટ ક્ષેત્રના ટોચના નિષ્ણાતો સાથે મળીને કામ કરશે. આ સ્ટડીનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે કોઈ ખેલાડી આટલી નાની ઉંમરે વિપરીત પરિસ્થિતિઓ અને માનસિક દબાણ વચ્ચે પોતાની જાતને કેવી રીતે મેનેજ કરે છે.

ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનિંગ બેટિંગ કરનાર વૈભવ સૂર્યવંશીએ એક જ સીઝનમાં સૌથી વધુ 72 સિક્સર ફટકારીને મહાન ક્રિકેટર ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ (59 સિક્સર) ધ્વસ્ત કરી દીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, IIM ઇન્દોરના ડાયરેક્ટર ડો. હિમાંશુ રાયે જણાવ્યું હતું કે, આ અભ્યાસ માત્ર વૈભવની રમતની સિદ્ધિઓ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેના સામાજિક, મનોવૈજ્ઞાનિક, કૌટુંબિક અને સંસ્થાકીય પરિબળોનું પણ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશે. વૈભવની આ સફર પાછળ તેની વ્યક્તિગત ક્ષમતા ઉપરાંત પરિવારનો ત્યાગ, સમર્પણ અને મેન્ટર્સનું માર્ગદર્શન પણ એટલું જ મહત્વનું રહ્યું છે.

પ્રતિભાની 'ડાર્ક સાઇડ' પર પણ થશે સંશોધન

ડો. હિમાંશુ રાયે સ્પષ્ટ કર્યું હતું કે, આ સંશોધનમાં સફળતાની સાથે સાથે નાની ઉંમરે મળતી પ્રતિભાની નકારાત્મક બાજુ (ડાર્ક સાઇડ) પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અવારનવાર જોવા મળે છે કે ખૂબ જ નાની ઉંમરે મળતી ભારે લોકપ્રિયતા, કરોડો રૂપિયાની ઓફરો અને સોશિયલ મીડિયાનું અનિયંત્રિત દબાણ યુવા પ્રતિભાઓને તેમના લક્ષ્યથી ભટકાવી દે છે. જેના કારણે ઘણા બાળકો માનસિક થાક અને અતિશય અપેક્ષાઓના બોજ હેઠળ દબાઈ જાય છે.

આ કેસ સ્ટડી દ્વારા એક એવા ઈકોસિસ્ટમની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે, જે કોર્પોરેટ જગતને પણ ટેલેન્ટ મેનેજમેન્ટનું એક નવું અને અસરકારક મોડલ પૂરું પાડશે.

વૈભવની અદભુત ટેકનિક અને બેબાક અંદાજ

5 ફૂટ 7 ઇંચની હાઇટ અને 55 કિલો વજન ધરાવતો વૈભવ પોતાની અદભુત બેટ સ્પીડ અને શાનદાર ટાઇમિંગના જોરે ખૂબ જ સરળતાથી બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી દે છે. બાળપણના કોચ મનીષ ઓઝા દ્વારા તૈયાર કરાયેલા વૈભવની ટેકનિક પર અત્યારે રાજસ્થાન રોયલ્સના ઝુબિન ભરૂચા વિશેષ કામ કરી રહ્યા છે, જ્યારે ભૂતપૂર્વ કોચ વિક્રમ રાઠોડ પણ તેના શાનદાર બોડી બેલેન્સના વખાણ કરી ચૂક્યા છે.

ઝડપી નિર્ણય શક્તિ: વૈભવનો ડિસિઝન ટાઇમ (નિર્ણય લેવાનો સમય) માત્ર 0.3 સેકન્ડ છે, જેના કારણે વિરોધી બોલરોને તેની સામે નવી વ્યૂહરચના બનાવવાનો મોકો જ નથી મળતો.

ડર વગરની રમત: તેની બેબાકીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ભૂતપૂર્વ દિગ્ગજ રાહુલ દ્રવિડે તેને થોડું સંભાળીને રમવાની સલાહ આપી હતી, ત્યારે વૈભવે નીડરતાથી જવાબ આપ્યો હતો કે, "સર, બોલર મને જોશે (હું બોલરને નહીં)." આઉટ થવાના ડરથી સંપૂર્ણ મુક્ત હોવાને કારણે તે મેચના પ્રેશરમાં પણ શાનદાર રમે છે.

મેનેજમેન્ટ ફેકલ્ટી ડો. આરતી ચોપરાના જણાવ્યા અનુસાર, મજબૂત ઈકોસિસ્ટમ અને દૂરોગામી નેતૃત્વ પર કેન્દ્રિત આ અભ્યાસ ભવિષ્યના મેનેજરો અને નીતિ-ઘડવૈયાઓ માટે અત્યંત મૂલ્યવાન સાબિત થશે. 


આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?