ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026માં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેણે ગર્લ્સ સિંગલ્સની ફાઈનલમાં ઈજિપ્તની રૂકૈયા સલીમને 3-0થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે અનાહત વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે.

https://twitter.com/narendramodi/status/2081311673592525019

PM સોશિયલ મીડિયા પર આપ્યા અભિનંદન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનાહતને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આ ભારત માટે ગૌરવની ક્ષણ છે. તેમણે કહ્યું કે અનાહતની આ ઐતિહાસિક સિદ્ધિ દેશના યુવાનોમાં સ્ક્વોશ રમતને વધુ લોકપ્રિય બનાવશે અને નવી પેઢીને પ્રેરણા આપશે.

છ મેચમાંથી માત્ર બે જ ગેમ ગુમાવી

ટૂર્નામેન્ટમાં ટોચની લીડ ધરાવતી 18 વર્ષની અનાહતે ફાઈનલમાં 11-3, 11-7 અને 11-9થી જીત મેળવી હતી. તેણે વર્ષ 2005માં જોશ્ના ચિનપ્પાના રનર-અપ પ્રદર્શનને પાછળ છોડી ભારતને પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત ખિતાબ અપાવ્યો છે. અનાહતનો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર દેખાવ રહ્યો હતો. તેણે છ મેચમાંથી માત્ર બે જ ગેમ ગુમાવી હતી. ક્વાર્ટર ફાઈનલમાં તેણે ઈજિપ્તની હબીબા રિઝ્કને અને સેમિફાઇનલમાં બાર્બ સમેહને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ગર્લ્સ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાલતું ઈજિપ્તનું વર્ચસ્વ સમાપ્ત કર્યું

ફાઈનલમાં મળેલી જીત સાથે અનાહતે 2011થી ગર્લ્સ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાલતું ઈજિપ્તનું વર્ચસ્વ પણ સમાપ્ત કર્યું છે. ગયા વર્ષે કૈરોમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં તેણે બ્રોન્ઝ મેડલ જીતી ભારત માટે 15 વર્ષ બાદ વ્યક્તિગત મેડલ મેળવ્યો હતો, જ્યારે આ વર્ષે તેણે ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. હાલમાં સિનિયર PSA ટૂર રેન્કિંગમાં વિશ્વની 20મી ક્રમે રહેલી અનાહત હવે 2028ના લોસ એન્જેલસ ઓલિમ્પિક્સમાં સ્ક્વોશના પ્રથમ સમાવેશને ધ્યાનમાં રાખીને વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો : CWG 2026 : જિમ્નાસ્ટનું બેલેન્સ બગડ્યું અને જમીન પર પટકાયો , જુઓ Video