ફારસની ખાડી વિસ્તારમાં અટવાયેલા ભારત અને અન્ય દેશોના ધ્વજ ધરાવતા 34 વધુ જહાજો ભારતીય બંદરો સુધી સુરક્ષિત અને ઝડપથી પહોંચી શકશે તેવી આશા વધી છે. આ આશાવાદનું કારણ અમેરિકા અને ઈરાને શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય લીધો હોવાનો છે. ભારત તરફ આવી રહેલા આ જહાજોમાંથી 15 જહાજોમાં ક્રૂડ ઓઇલ, LNG અને LPG ભરેલું છે, જ્યારે બાકીના જહાજોમાં અન્ય માલસામાન છે.
દિશા હોર્મુઝ પાર કરી ગયુ
પશ્ચિમ એશિયાની તાજેતરની પરિસ્થિતિ અંગે માહિતી આપતા શિપિંગ મંત્રાલયના નિર્દેશક ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે, LNG કેરિયર ‘દિશા’ હોર્મુઝ જળસંધિમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે અને તેમાં 62,370 ટન LNG કાર્ગો ભરાયેલો છે. આ જહાજ 18 જૂને દહેજ બંદરે પહોંચે તેવી શક્યતા છે.
આ જહાજોમાંથી 16 જહાજ ખાતર (ફર્ટિલાઇઝર) લઈને આવી રહ્યા છે
આ જહાજોમાંથી 16 જહાજ ખાતર (ફર્ટિલાઇઝર) લઈને આવી રહ્યા છે, જેના કારણે ખેતી માટે જરૂરી પોષક તત્વોની સપ્લાયમાં વધારો થવાની આશા છે. જોકે નીતિ નિર્માતાઓ હજુ પણ સાવચેતી રાખી રહ્યા છે, કારણ કે ઊર્જા પુરવઠામાં સુધારો તરત જ જોવા નહીં મળે. ખાતર વિભાગની સંયુક્ત સચિવ વંદના પ્રેયશીએ જણાવ્યું કે હોર્મુઝ વિસ્તારમાં રહેલા 16 જહાજોમાંથી 8માં યુરિયા, 4માં ડાય-એમોનિયમ ફોસ્ફેટ (DAP), 3માં સલ્ફર અને 1માં અમોનિયા ભરાયેલું છે.
ભારત પોતાની જરૂરિયાતનું 88 ટકા કરતાં વધુ ક્રૂડ ઓઇલ આયાત કરતું હતું
ભારત-ઈરાન યુદ્ધ પહેલાં ભારત પોતાની જરૂરિયાતનું 88 ટકા કરતાં વધુ ક્રૂડ ઓઇલ આયાત કરતું હતું, જેમાંથી લગભગ અડધો હિસ્સો પશ્ચિમ એશિયામાંથી આવતો હતો. આયાત થતી LNGમાંથી 60 ટકા કરતાં વધુ સપ્લાય હોર્મુઝ જળસંધિ મારફતે આવતી હતી. ઉપરાંત ભારત પોતાની LPG જરૂરિયાતનો લગભગ 60 ટકા હિસ્સો પશ્ચિમ એશિયામાંથી મેળવે છે અને તેમાંની 90 ટકા સપ્લાય હોર્મુઝ જળસંધિમાંથી પસાર થાય છે.
કતારમાં આવેલી રાસ લાફાન જેવી મહત્વપૂર્ણ ઊર્જા સુવિધાઓને નુકસાન પહોંચ્યું
કતારમાં આવેલી રાસ લાફાન જેવી મહત્વપૂર્ણ ઊર્જા સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનને કારણે ઊર્જા પુરવઠામાં તરત રાહત મળવી મુશ્કેલ બની છે. સુવિધાઓને થયેલા ભારે નુકસાનના કારણે સામાન્ય કામગીરી ક્યારે સંપૂર્ણપણે શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા યથાવત છે. ભારતનો કતાર એનર્જીની રાસ લાફાન સુવિધા સાથે ગેસ સપ્લાય માટે લાંબા ગાળાનો કરાર છે.
UAEના હબશાન ગેસ પ્લાન્ટને નુકસાન થયું
યુદ્ધ દરમિયાન UAEના હબશાન ગેસ પ્લાન્ટને પણ નુકસાન થયું હતું, જેના કારણે કામગીરીમાં વિક્ષેપ આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્લાન્ટની આશરે 60 ટકા ક્ષમતા ફરી શરૂ કરવામાં આવી છે. તેમને આશા છે કે 2026ના અંત સુધીમાં પુનઃપ્રાપ્તિ 80 ટકા સુધી પહોંચી જશે અને 2027માં સંપૂર્ણ માળખાકીય પુનઃસ્થાપન થઈ જશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કતાર એનર્જીની રાસ લાફાન LNG સુવિધામાં આવેલી બે લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્રોસેસિંગ યુનિટ્સને નુકસાન થયું હતું, જેના કારણે તેની લગભગ 17 ટકા ઉત્પાદન ક્ષમતા અસરગ્રસ્ત થઈ છે.