શિરોમણી અકાલી દળના સાંસદ હરિસિમરત કૌર બાદલે પોતાના પતિ અને પાર્ટીના નેતા સુખબીર સિંહ બાદલ પર 13 ઓગસ્ટે થયેલા હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવાની માગ કરી છે. આ મામલે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.
હરિસિમરત કૌરે ગંભીર સવાલો ઉઠાવ્યા
હરિસિમરત કૌર બાદલે પત્રમાં જણાવ્યું કે હુમલા દરમિયાન સુખબીર બાદલના જમણા હાથમાં ઈજા થઈ હતી. તેમણે દાવો કર્યો કે સતર્ક સુરક્ષાકર્મીએ હુમલાખોરને રોકવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂક્યો હોત તો પરિણામ વધુ ગંભીર બની શક્યું હોત. તેમણે કહ્યું કે 13 ઓગસ્ટની ઘટના કોઈ એકલદોકલ ઘટના નથી. અગાઉ 4 ડિસેમ્બર 2024ના રોજ અમૃતસરના શ્રી હરમંદિર સાહિબના પરિસરમાં પણ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. બંને ઘટનાઓમાં કેટલીક સમાનતાઓ હોવાનો દાવો કરી તેમણે બંને હુમલા એકબીજા સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
હથિયારથી કર્યો હુમલો
હરિસિમરતે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારનો ઉલ્લેખ કરતા કહ્યું કે હુમલાખોરે આશરે દોઢ ફૂટ લાંબા ધારદાર હથિયારથી સુખબીર બાદલની છાતી પર હુમલો કર્યો હતો. પોતાનો બચાવ કરવા માટે હાથ ઊંચો કરતાં હથિયાર તેમના હાથમાં વાગ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉના હુમલામાં સામેલ આરોપી હજુ ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને પંજાબના DGP તથા અન્ય અધિકારીઓએ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર મામલામાં મોટું ષડયંત્ર હોવાનો દાવો
તેમણે સમગ્ર મામલામાં મોટું ષડયંત્ર હોવાનો દાવો કરી સંડોવાયેલા પોલીસ અધિકારીઓ કે રાજકીય નેતાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. 13 ઓગસ્ટે નાંદેડ નજીક એક ગુરુદ્વારામાં નિહંગ જૂથના એક સભ્યએ કૃપાણથી સુખબીર બાદલ પર હુમલો કર્યો હતો. હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. બાદલને સારવાર બાદ નાંદેડની હોસ્પિટલમાંથી રજા આપી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Delhi : 8 મહિનામાં 100 'અટલ કેન્ટીન' શરૂ, 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન