“કોઈ સપનાઓ જુએ છે આકાશ તરફ, તો કોઈ આકાશને પોતાનું ઘર બનાવી લે છે.” ધરતીની સીમાઓ પાર કરીને, તારાઓ વચ્ચે પોતાની ઓળખ બનાવનાર, ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે માત્ર એક નામ નથી, પરંતુ હિંમત, સમર્પણ અને સપનાઓની પ્રેરણા છે. સુનિતા વિલિયમ્સે અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી છે. તેમણે નાસામાં કુલ 27 વર્ષ સુધી સેવા આપી અને આ સમયગાળા દરમિયાન ત્રણ અલગ-અલગ સ્પેસ મિશનમાં ભાગ લઈને કુલ 608 દિવસ અવકાશમાં વિતાવ્યા. આ સમયગાળો કોઈપણ નાસા અવકાશયાત્રી માટે બીજો સૌથી લાંબો કુલ અવકાશ નિવાસ છે.
જાહેર કરેલી માહિતી અનુસાર
નાસાએ જાહેર કરેલી માહિતી અનુસાર, સુનિતા વિલિયમ્સની નિવૃત્તિ 27 ડિસેમ્બર, 2025થી અમલમાં આવી છે. તેમનું તાજેતરનું સ્પેસ મિશન ખાસ ચર્ચામાં રહ્યું હતું, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર માત્ર 10 દિવસ માટે ગયા હતા, પરંતુ ટેક્નિકલ કારણોસર તેમને ત્યાં લગભગ સાડા નવ મહિના રોકાવું પડ્યું હતું. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને સુનિતા વિલિયમ્સના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “સુની વિલિયમ્સ માનવ સ્પેસ ફ્લાઇટમાં અગ્રણી રહી છે. તેમના નેતૃત્વ અને સંશોધન કાર્યએ ભવિષ્યના અવકાશ મિશનો માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે.”
