સુપ્રીમ કોર્ટમાં 3 નવા ન્યાયાધીશની નિમણુક કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ CJI સૂર્યકાંતે ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અપારેશ કુમાર સિંહને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. શપથવિધિ બપોરે 3:30 વાગ્યે યોજાઈ હતી. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં નવા ન્યાયાધીશોની શપથવિધિ સવારે 10:30 વાગ્યે થાય છે, એટલે કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી શરૂ થાય તે સમયે, પરંતુ આ વખતે શપથવિધિનો સમય અલગ રાખવામાં આવ્યો હતો.
કોલેજિયમની ભલામણ બાદ મંજૂરી
ત્રણેય ન્યાયાધીશો અગાઉ અલગ-અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે 28 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલી બેઠકમાં ત્રણેયના નામની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરી હતી.
કેન્દ્ર સરકારે કોલેજિયમની ભલામણ પર ઝડપથી નિર્ણય લેતા સોમવારે ત્રણેયની નિમણૂકને મંજૂરી આપી હતી. કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી.
કોણ છે ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ?
ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનો જન્મ 30 એપ્રિલ 1966ના રોજ થયો હતો. 21 નવેમ્બર 2011ના રોજ તેમની અલાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. ત્યારબાદ 23 જુલાઈ 2023ના રોજ તેમણે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. હવે તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નવી જવાબદારી મળી છે.
જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ગુજરાતમાં હેલમેટના નિયમોનું કડક પાલન કરાવવા માટે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ આદેશો આપ્યા હતા. મોટર વ્હીકલ એક્ટ હેઠળ હેલ્મેટ પહેરવું એ કેન્દ્રીય કાયદો હોવાથી રાજ્ય સરકારે તેનું પાલન કરાવવું જ પડશે તેવી કડક ટિપ્પણી હાઈકોર્ટે કરી હતી. જસ્ટિસ સુનિતા અગ્રવાલે નિયમની શરૂઆત પોતાનાથી જ કરવા માટે ગુજરાત હાઈકોર્ટના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવતો સર્ક્યુલર જાહેર કર્યો હતો.
ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની સફર
ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયનો જન્મ 16 જૂન 1965ના રોજ થયો હતો. 21 નવેમ્બર 2011ના રોજ તેમની અલાહાબાદ હાઇકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. ત્યારબાદ 6 ઓગસ્ટ 2013ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.
28 માર્ચ 2023ના રોજ તેઓ અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચના વરિષ્ઠ ન્યાયાધીશ બન્યા હતા. ત્યારબાદ 29 જુલાઈ 2023ના રોજ તેમણે બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. બાદમાં તેમની બદલી દિલ્હી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી, જ્યાં તેમણે 21 જાન્યુઆરી 2025ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.
ન્યાયમૂર્તિ અપારેશ કુમાર સિંહ વિશે
ન્યાયમૂર્તિ અપારેશ કુમાર સિંહનો જન્મ 7 જુલાઈ 1965ના રોજ થયો હતો. 24 જાન્યુઆરી 2012ના રોજ તેમની ઝારખંડ હાઇકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી અને 16 જાન્યુઆરી 2014ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.
તેમણે 20 ડિસેમ્બર 2022થી 19 ફેબ્રુઆરી 2023 સુધી ઝારખંડ હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ 17 એપ્રિલ 2023ના રોજ તેમણે ત્રિપુરા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. બાદમાં તેમની બદલી તેલંગાણા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી, જ્યાં તેમણે 19 જુલાઈ 2025ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.
ન્યાયિક કામગીરીને ઝડપ મળવાની આશા
ત્રણેય નિમણૂક સાથે સુપ્રીમ કોર્ટની ન્યાયિક ક્ષમતા વધુ મજબૂત થશે. આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે CJI સિવાય સુપ્રીમ કોર્ટમાં મંજૂર ન્યાયાધીશોની સંખ્યા વધારીને 37 કરવાનો નિર્ણય લીધો હતો. આ નિમણૂક બાદ સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસોની સુનાવણી અને ન્યાયિક કામગીરીને ઝડપ મળવાની આશા છે.