નજીકના સંબંધીઓ એટલે કે લોહીના સંબંધોમાં લગ્ન કરવાથી બાળકોના સ્વાસ્થ્ય પર થતી ગંભીર નકારાત્મક અસરો અંગે સુપ્રીમ કોર્ટે ભારે ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર પાસેથી સ્પષ્ટ જવાબ માંગ્યો છે. કોર્ટે જણાવ્યું કે આવા વિવાહ અટકાવવા કાયદો લાવવો સંસદના કાર્યક્ષેત્રમાં આવે છે, જેથી સરકારે જરૂરી કાયદાકીય પગલાં ભરવા અથવા દેશભરમાં જાગૃતિ લાવવી જોઈએ.

દૃષ્ટિબાધિત વિદ્યાર્થિની દ્વારા અરજી કરાઇ

સુપ્રીમ કોર્ટ સમક્ષ બેંગલુરુની એક દૃષ્ટિબાધિત વિદ્યાર્થિની દ્વારા એડવોકેટ અંજુમન ત્રિપાઠી મારફતે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થિનીએ અદાલત સમક્ષ જણાવ્યું હતું કે તેના માતા-પિતા નજીકના લોહીના સંબંધી હતા અને આ રક્ત સંબંધના કારણે જ તેને જન્મજાત આનુવંશિક બીમારી તેમજ ગંભીર શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

બાળકોમાં ગંભીર વિકૃતિઓ આવવાની શક્યતા 

અરજીમાં તબીબી વિજ્ઞાનના તારણોનો હવાલો આપીને જણાવાયું હતું કે લોહીના સંબંધોમાં લગ્ન કરવાથી બાળકોમાં ગંભીર વિકૃતિઓ આવવાની શક્યતા રહે છે. આવા વિવાહના પરિણામે જન્મજાત ખોડખાંપણ, અંધત્વ, બહેરાશ, શારીરિક કે માનસિક વિકાસમાં ખામી, કાયમી વિકલાંગતા, શિશુ મૃત્યુ અને ખરાબ સ્વાસ્થ્યનું જોખમ સર્જાય છે. 

નજીકના સંબંધીઓ વચ્ચે લગ્નનું ચલણ ઘણું વધારે 

અરજદારે જણાવ્યું કે દક્ષિણ ભારતના રાજ્યોમાં નજીકના સંબંધીઓ વચ્ચે લગ્નનું ચલણ ઘણું વધારે છે અને ત્યાં લગભગ 30% લગ્નો રક્ત સંબંધોમાં જ થાય છે, જેના લીધે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા થાય છે.

લગ્ન કોની સાથે કરવા તે કોઈપણ નાગરિકની સંપૂર્ણપણે અંગત પસંદગીનો વિષય

આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે લગ્ન કોની સાથે કરવા તે કોઈપણ નાગરિકની સંપૂર્ણપણે અંગત પસંદગીનો વિષય છે. અદાલત પોતાની રીતે આવા સંબંધો કે લગ્નો પર સીધી રોક લગાવી શકે નહીં. તેમ છતાં, અદાલતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે નજીકના લોહીના સંબંધીઓ સાથે લગ્ન કરવાથી શારીરિક સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે તે વૈજ્ઞાનિક વાસ્તવિકતાને નકારી શકાય નહીં. 

વ્યાપક જાગૃતિ લાવવી જરૂરી

આવા સંજોગોમાં નાગરિકોને તેના પરિણામો વિશે પૂરતી જાણકારી હોવી અનિવાર્ય છે. આ અંગે સીજેઆઈ સૂર્યકાંતે જણાવ્યું હતું કે ગ્રામીણ સ્તરે આંગણવાડી કે પંચાયતના માધ્યમથી લોકોમાં આ બાબતે વ્યાપક જાગૃતિ લાવવી જરૂરી છે. તેમણે કહ્યું કે આ સમસ્યા પાછળના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને કારણોને સામાન્ય પ્રજા સમક્ષ સ્પષ્ટ રીતે રજૂ કરવા જોઈએ.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને પૂછ્યું છે કે શું લોહીના સંબંધોમાં થતા આવા લગ્નો રોકવા માટે કોઈ ચોક્કસ કાયદો લાવી શકાય તેમ છે? કોર્ટે નોંધ્યું કે આ વિષય પર કાયદો બનાવવાની સત્તા સંસદના કાર્યક્ષેત્રમાં આવે છે. સરકારે કાં તો આવા લગ્ન રોકવા નક્કર કાનૂની પગલાં ભરવા જોઈએ અથવા લોકોને જાગૃત કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પર્સનલ લોમાં નજીકના સંબંધીઓમાં લગ્નને માન્યતા મળેલી છે, જ્યારે હિન્દુ મેરેજ એક્ટમાં અમુક સંબંધોમાં લગ્ન પર રોક છે. 


આ પણ વાંચો :     Sugar Prices : ખાંડના ભાવમાં ભડકો, અનેક શહેરોમાં કિલોનો ભાવ રૂ. 70 સુધી પહોંચ્યો, સરકારનાં પગલાં છતાં ગ્રાહકોને રાહત નહીં