27 ઓક્ટોબર, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. જોકે, કોર્ટે હાલ કાયદાના અમલ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. આ મામલે આગામી સુનાવણી 17 નવેમ્બર, 2026ના રોજ થશે.
શું હોય છે 'ખોજી પત્રકારત્વ'?
'ખોજી પત્રકારત્વ' એટલે જેને investigative journalism કહેવાય છે, તેમાં કામ કરનાર પત્રકાર સમાજ અને સરકારમાં 'વોચડોગ' (ચોકીદાર) તરીકે કામ કરે છે, જે ગેરરીતિઓને ઉજાગર કરે છે. આ કામગીરીમાં માત્ર સરકાર સામે આક્ષેપો નથી થતાં, પરંતુ પાકા દસ્તાવેજો, ડેટા અને ભરોસાપાત્ર સૂત્રો (Sources) પર આધાર રાખવામાં આવે છે. આ કામ અભૂતપૂર્વ ધીરજ, કપરી મહેનત માગી લે છે. કેમ કે વિશ્વસનીય સૂત્રો (source) પાસેથી આધારભૂત દસ્તાવેજો મેળવવામાં અને તેના પરથી એક આખી story- અહેવાલ તૈયાર કરવામાં પત્રકારોને મહિનાઓ કે ક્યારેક વર્ષો પણ લાગી જતાં હોય છે.
ભારતમાં 'ખોજી પત્રકારત્વ'ના ઉત્તમ ઉદાહરણો
ભારતમાં ખોજી પત્રકારત્વ (Investigative Journalism) નો ઈતિહાસ ખૂબ જ સમૃદ્ધ અને પ્રભાવશાળી રહ્યો છે. ભારતીય પત્રકારોએ જીવના જોખમે, સચોટ પુરાવાઓ અને ઊંડા સંશોધન દ્વારા સત્તાધારીઓ, કોર્પોરેટ ગૃહો અને સિસ્ટમની ગેરરીતિઓને દેશ સમક્ષ ઉજાગર કરી છે. ભારતમાં થયેલા ખોજી પત્રકારત્વના કેટલાક ઉત્તમ અને સીમાચિહ્નરૂપ ઉદાહરણો નીચે મુજબ છે:
1. બોફોર્સ કૌભાંડ (૧૯૮૭)
2. હર્ષદ મહેતા શેરબજાર કૌભાંડ (૧૯૯૨)
3. 'ઓપરેશન વેસ્ટ એન્ડ' - તેહલકા સ્ટિંગ ઓપરેશન (૨૦૦૧)
4. ઈલેક્ટોરલ બોન્ડ્સ પ્રોજેક્ટ (૨૦૨૪)
અને હાલમાં જ 'ઇન્ડિયન એક્સપ્રેસ' સંસ્થા દ્વારા ઇલેક્શન કમિશન અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદમાં કરવામાં આવેલી શ્રેણીબદ્ધ સંશોધનાત્મક તપાસમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે એક મોટો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં બહાર આવ્યું કે ચૂંટણી પંચના અન્ય બે કમિશનરો (સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી) એ જ્ઞાનેશ કુમારની એકતરફી નિર્ણય લેવાની પ્રક્રિયા સામે 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત લેખિત વાંધા (Dissent) નોંધાવ્યા હતા. જ્ઞાનેશ કુમારે અન્ય કમિશનરોને અંધારામાં રાખીને, 1960ના નિયમોમાં સુધારો કર્યા વિના જ નવા મતદારો માટેના Form-6માં મનસ્વી અને ગેરકાયદેસર રીતે ફેરફારો કર્યા હતા. જેથી ઘણા નાગિરકોના મતાધિકાર છીનવાયા હતા. જો આ બાબતે કોઇ પત્રકારે સંશોધન કરીને માહિતી બહાર ન લાવ્યા હોત તો દેશનો નાગરિક આ સત્યથી અજાણ રહ્યો હોત.
આ ખોજી પત્રકારત્વના કારણે દેશની લોકશાહીની સૌથી મહત્વની સ્વાયત્ત સંસ્થાની આંતરિક લડાઈ જાહેરમાં આવી ગઈ. મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો, દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા અને વિપક્ષો દ્વારા જ્ઞાનેશ કુમારના રાજીનામા તેમજ તેમના પબ્લિક ઇમ્પીચમેન્ટ (જાહેર મહાભિયોગ) ની માંગ કરવામાં આવી. આ રિપોર્ટિંગના દબાણ હેઠળ ચૂંટણી પંચે પોતાના કેટલાક નિર્ણયો અને ફોર્મ-૬ ના નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.
કાયદાની કઇ જોગવાઇઓ પત્રકારત્વને નુકસાન કરશે?
ત્રણ મોટા વાંધા, જે તપાસ આધારિત પત્રકારત્વની કરોડરજ્જુ તોડી શકે છે.
1. સંમતિ લેવી એટલે આરોપીને પહેલાંથી ચેતવણી આપવી
DPDP અધિનિયમની કલમ 5 અને 6 હેઠળ કોઈ પણ વ્યક્તિની અંગત માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં તેને જાણ કરવી અને તેની સંમતિ મેળવવી જરૂરી બની શકે છે. જો કે ખોજી પત્રકાર આવું કરી શકે નહિ. કાયદા અંતર્ગત જો કોઈ પત્રકાર ભ્રષ્ટ અધિકારી, કંપની કે નેતા સામે તપાસ કરી રહ્યો હોય, તો તેણે તે વ્યક્તિ પાસેથી જ સંમતિ માગવી પડશે, પરંતુ એનાથી જે-તે વ્યક્તિ સંમતિ આપવાનો ઇનકાર કરી શકે છે. અને સમાચાર તૈયાર થઇ શકશે નહિ. આવી સ્થિતિમાં ન્યૂઝરૂમ બંધ થઈ જશે.
આ જોગવાઈનો સૌથી મોટો ખતરો એ છે કે તપાસ દરમિયાન મળેલા પુરાવા નષ્ટ થઈ શકે છે. જો પત્રકાર સંમતિ માગવા માટે તપાસ હેઠળની વ્યક્તિનો સંપર્ક કરે, તો તેને તપાસની જાણ થઈ શકે છે. ત્યાર બાદ તે પુરાવા નષ્ટ કરી શકે છે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે.
આ સ્થિતિ તપાસ આધારિત પત્રકારત્વના મૂળભૂત સિદ્ધાંત, એટલે કે અગાઉથી ચેતવણી આપ્યા વિના સત્ય બહાર લાવવાની પ્રક્રિયા સામે પડકાર ઊભો કરી શકે છે.
2. માહિતી દૂર કરવાનો અધિકાર: પ્રકાશિત અહેવાલમાં ફેરફાર કરાવવાનું દબાણ
DPDP અધિનિયમની કલમ 12 હેઠળ લોકોને પોતાની અંગત માહિતીમાં સુધારો કરાવવા, તેને અપડેટ કરાવવા અને અમુક સંજોગોમાં તેને દૂર કરાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
જો કોઈ વ્યક્તિને લાગે કે તેના વિશે પ્રકાશિત થયેલા અહેવાલમાં તેની અંગત માહિતીનો ખોટી રીતે ઉપયોગ થયો છે, તો તે માહિતી દૂર કરવાની માગ કરી શકે છે. આથી ભ્રષ્ટાચાર કે અન્ય ગેરરીતિના આરોપોનો સામનો કરી રહેલી વ્યક્તિ સમાચાર અહેવાલને દૂર કરવાની અથવા તેમાં ફેરફાર કરાવવાની માગ કરી શકે છે.
મીડિયા સંસ્થાઓએ અરજીમાં દલીલ કરી છે કે આ જોગવાઈનો ઉપયોગ પત્રકારો પર પ્રકાશિત અહેવાલો બદલવા અથવા દૂર કરવા માટે દબાણ ઊભું કરવા થઈ શકે છે. તેનાથી પત્રકારત્વના રેકોર્ડની વિશ્વસનીયતા પર પણ અસર પડી શકે છે.
3. સરકારને માહિતી માગવાની સત્તા: સમાચારના સૂત્રની ઓળખ જાહેર થવાનું જોખમ
મીડિયા સંસ્થાનોનો આ સૌથી ગંભીર વાંધો છે., DPDP અધિનિયમની કલમ 36 અને નિયમ 23 સામે. કાયદાની સાતમી અનુસૂચિ હેઠળ કેન્દ્ર સરકારને એવી સત્તા આપવામાં આવી છે કે તે અહેવાલ પ્રકાશિત થઇ ગયા બાદ જે-તે પત્રકાર અથવા મીડિયા સંસ્થાએ તે અહેવાલની માહિતી ક્યાંથી મેળવી, કયા સૂત્રોએ આપી તે બાબતે ખુલાસો માગી શકે છે. જે સામાન્ય પત્રકારત્વના પણ નિયમ વિરુદ્ધ છે. કોઇપણ પત્રકાર પોતાના સૂત્રો કે તેને માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ક્યારેય જાહેર કરી શકે નહિ. કેમકે આવું કરવાથી તે વ્યક્તિના જીવન સામે જોખમ ઉભું થઇ શકે છે.
મીડિયા સંસ્થાનોને આશંકા છે કે આ જોગવાઈનો ઉપયોગ પત્રકારોને માહિતી આપનારા સૂત્રોની ઓળખ જાણવા અથવા તેમને નિશાન બનાવવા માટે થઈ શકે છે.
જો માહિતી આપનારા સૂત્રોની ઓળખ જાહેર થવાનો ભય રહેશે, તો લોકો મહત્ત્વની માહિતી પત્રકારો સુધી પહોંચાડતાં અચકાશે. પરિણામે, તપાસ આધારિત પત્રકારત્વને ગંભીર અસર થઈ શકે છે.
4. RTIનો મુદ્દો: માહિતી મેળવવાનો અધિકાર પણ નબળો પડવાની આશંકા
DPDP અધિનિયમની કલમ 44(3) દ્વારા માહિતી અધિકાર (RTI) અધિનિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
અગાઉ RTI અધિનિયમની કલમ 8(1)(j) હેઠળ મોટા જાહેર હિત સાથે જોડાયેલી હોય તો સરકારી અધિકારીઓની અંગત માહિતી પણ જાહેર કરવાની મંજૂરી મળી શકતી હતી.
જોકે, નવા સુધારા હેઠળ અંગત માહિતી સાથે જોડાયેલી માહિતી જાહેર કરવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે અને અગાઉની જોગવાઈમાં રહેલા મોટા જાહેર હિતના સ્પષ્ટ ઉલ્લેખને દૂર કરવામાં આવ્યો છે.
આ ફેરફારને કારણે પત્રકારો માટે સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અને તેમની કામગીરી અંગે માહિતી મેળવવાનું વધુ મુશ્કેલ બની શકે છે.
સુપ્રીમ કોર્ટની ભૂમિકા: ગોપનીયતા અને પત્રકારત્વ વચ્ચે સંતુલન
27 ઓક્ટોબર, 2026ના રોજ થયેલી સુનાવણીમાં CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે નાગરિકોની ગોપનીયતા અને મીડિયાની સ્વતંત્રતા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.
કોર્ટે DNPAને સવાલ કર્યો કે આ કાયદાનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કેવી રીતે આપી શકાય.
DNPAએ સ્પષ્ટ કર્યું કે મીડિયા સંસ્થાનો કાયદાનું પાલન કરવા અને ખોટા અહેવાલો માટે જવાબદારી સ્વીકારવા તૈયાર છે. જોકે, સમાચાર પ્રકાશિત કરતાં પહેલાં સંબંધિત વ્યક્તિની મંજૂરી લેવાની વ્યવસ્થા સ્વીકારી શકાય નહીં.
સારા હેતુથી બનાવેલો કાયદો, પણ તપાસ આધારિત પત્રકારત્વ સામે પડકાર?
DPDP અધિનિયમનો હેતુ નાગરિકોની ગોપનીયતાનું રક્ષણ કરવાનો છે અને ડિજિટલ યુગમાં તેની જરૂરિયાત પણ છે. જોકે, DNPAની દલીલ છે કે આ કાયદો પત્રકારત્વને જાહેર હિત માટે કામ કરતા માધ્યમ તરીકે જોવાને બદલે વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરતી સંસ્થા તરીકે જુએ છે.
સુપ્રીમ કોર્ટે હાલ કાયદાના અમલ પર રોક લગાવી નથી અને આગામી સુનાવણી 17 નવેમ્બર, 2026ના રોજ રાખી છે.
જો કોર્ટ પત્રકારત્વ માટે સ્પષ્ટ કાનૂની અને બંધારણીય રક્ષણ અંગે કોઈ વ્યવસ્થા નક્કી નહીં કરે, તો ગોપનીયતાના રક્ષણ માટે બનાવવામાં આવેલા આ કાયદાની જોગવાઈઓનો ઉપયોગ સત્ય બહાર લાવવાની પત્રકારત્વની કામગીરીને મર્યાદિત કરવા માટે થઈ શકે છે.
આ જ આ સમગ્ર વિવાદનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે.