સરકારી કર્મચારીઓના સસ્પેન્શન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે કોઈ સરકારી કર્મચારીની ધરપકડ થાય અને તે 48 કલાકથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં રહે તો તેને આપોઆપ સસ્પેન્ડ થયેલો માનવામાં આવશે. આવી સ્થિતિમાં અલગથી સસ્પેન્શનનો આદેશ આપવાની જરૂર રહેતી નથી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે બિહારના સમસ્તીપુરની સદર હોસ્પિટલના પ્રશાસક વિશ્વજીત સિંહની જામીન બહાલ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
4,000 રૂપિયાની લાંચ માગવાનો આરોપ
વિશ્વજીત સિંહ સામે એક કરાર આધારિત કર્મચારીના બાકી પગારની રકમ ચૂકવવાના બદલામાં 4,000 રૂપિયાની લાંચ માગવાનો આરોપ હતો. ફરિયાદીનો 36,421 રૂપિયાનો પગાર બાકી હતો. આ મામલે વર્ષ 2025માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7(બી) હેઠળ વિજીલન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
હાઇકોર્ટે જામીન રદ કર્યા હતા
ધરપકડ બાદ સિંહને સત્ર અદાલતમાંથી જામીન મળ્યા હતા. જોકે, ફરિયાદીએ આ જામીનને પટના હાઈકોર્ટમાં પડકાર્યા હતા. હાઈકોર્ટે 1 જુલાઈ 2026ના રોજ જામીન રદ કરીને આરોપીને ફરી કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જામીનનો આદેશ કર્યો
વિશ્વજીત સિંહે પટના હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટનો જામીન રદ કરવાનો આદેશ રદ કરીને આરોપીને જામીન આપ્યા હતા. ખંડપીઠે નોંધ્યું હતું કે લાંચની માગણીની રકમ જામીન અરજી પર નિર્ણય લેવા માટે સંબંધિત માપદંડ નહોતી.
15 દિવસ કસ્ટડીમાં રહ્યા હોવાની નોંધ
સુપ્રીમ કોર્ટે આ કેસમાં એક ચિંતાજનક બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું. અદાલતના જણાવ્યા મુજબ, ધરપકડ બાદ વિશ્વજીત સિંહ આશરે 15 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યા હતા. 48 કલાકથી વધુ સમય કસ્ટડીમાં રહેવાથી તેઓ નિયમ મુજબ આપોઆપ સસ્પેન્ડ થયેલા ગણાય છે. અદાલતે નોંધ્યું હતું કે સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમનો સસ્પેન્શનનો આદેશ રદ કરી દેવામાં આવ્યો હતો.
એ જ હોસ્પિટલમાં ફરી એ જ હોદ્દા પર નિમણૂક
સુપ્રીમ કોર્ટે વધુમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે સસ્પેન્શનનો આદેશ રદ થયા બાદ વિશ્વજીત સિંહને ફરી એ જ હોસ્પિટલમાં અને એ જ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. અદાલતે બિહાર સરકારને આ મામલે વહેલી તકે ધ્યાન આપવા અને કાયદા મુજબ જરૂરી પગલાં ભરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : Accident : ગળામાં ફસાયો ફુગ્ગો, 13 વર્ષની બાળકીનું મોત; દિવાળીની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ