દેશભરમાં ગેરકાયદે અને જોખમી ઈમારતોના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની બેન્ચે દિલ્હી, ગુરુગ્રામ, લખનૌ, પટણા અને તમિલનાડુના નગર નિગમોના વરિષ્ઠ અધિકારીઓને જોખમી અને ગેરકાયદે ઈમારતો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
આગ લાગવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દિલ્હીના સાકેત વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના તેમજ માલવીય નગર અને લખનૌના અલીગંજ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. કોર્ટે 20 મેના રોજ આપેલા આદેશોના પાલન અંગે પણ સ્થિતિ અહેવાલ માગ્યો છે. સાથે જ તમામ સંબંધિત અધિકારીઓને આગામી 4 ઓગસ્ટે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે આ મામલે સ્વતંત્ર અને પારદર્શક સર્વેક્ષણ માટે આઈઆઈટી દિલ્હીના બે વરિષ્ઠ પ્રોફેસરો અને બે ડ્રાફ્ટ્સમેનની વિશેષ ટીમ બનાવવાનો પણ આદેશ કર્યો છે. આ ટીમ એમસીડીના અધિકારીઓ સાથે મળીને સાકેત, માલવીય નગર અને લાજપત નગરમાં સમયબદ્ધ સર્વે કરશે. જ્યારે સરોજિની નગર વિસ્તારમાં એનડીએમસી સાથે મળીને સમાન પ્રકારનો સર્વે હાથ ધરવામાં આવશે.
જોખમી ઈમારતો સામે કાર્યવાહી થવાની શક્યતા વધી
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અહેવાલ તૈયાર કરવામાં કોઈપણ પ્રકારની બેદરકારી, ખોટી માહિતી અથવા ઢીલાશ સહન કરવામાં આવશે નહીં. જો કોઈ કમિશનર, સીઈઓ અથવા અન્ય જવાબદાર અધિકારી સમયસર અહેવાલ રજૂ કરવામાં અથવા કોર્ટના આદેશોના પાલનમાં નિષ્ફળ જશે તો તેમની સામે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી શકે છે. કોર્ટના આ કડક વલણને કારણે દેશભરમાં ગેરકાયદે અને જોખમી ઇમારતો સામે હવે વધુ અસરકારક કાર્યવાહી થવાની શક્યતા વધી છે.
આ પણ વાંચો : Uttarakhand Himachal Landslide: ચંબા અને કુલ્લુમાં લેન્ડસ્લાઇડ, ટિહરીમાં મકાન ધસ્યુ, હિમાચલ અને ઉત્તરાખંડમાં આફતનો વરસાદ