સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે MoP (મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર) તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે જજોની નિમણૂકની પ્રક્રિયા પારદર્શક બનવાથી સામાન્ય લોકોને પણ તેની માહિતી મળી શકશે.

લોક પ્રહરી નામની NGO દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં મુખ્ય ન્યાયાધીશ (CJI) અને કેન્દ્ર સરકારને આ દિશામાં જરૂરી પગલાં લેવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. સોમવારે જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચ સમક્ષ આ મામલો સુનાવણી માટે આવ્યો હતો.

જોકે, જસ્ટિસ પી.એસ. નરસિમ્હાએ આ કેસની સુનાવણીથી પોતાને અલગ કરી લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે MoP સાથે જોડાયેલા આવા જ એક કેસમાં તેઓ અગાઉ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) તરીકે હાજર રહ્યા હતા.

કોલેજિયમના નિર્ણયોને RTI હેઠળ લાવવાની માગ

અરજીમાં માંગ કરવામાં આવી છે કે બંધારણીય અદાલતોમાં જજોની નિમણૂક કોલેજિયમના સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયના આધારે થવી જોઈએ. આ ઉપરાંત, નિમણૂક પ્રક્રિયામાં 2015ના NJAC કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોનું ધ્યાન રાખવામાં આવે. કોલેજિયમના નિર્ણયોને માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ લાવવાની માંગ પણ કરવામાં આવી છે.

અરજદારે મુખ્ય ન્યાયાધીશને વહીવટી સ્તરે MoPમાં જરૂરી ફેરફાર કરવા અને કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયને CJI સાથે ચર્ચા કર્યા બાદ એક મહિનાની અંદર તેને આખરી સ્વરૂપ આપવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે.

જૂન 1999માં સુપ્રીમ કોર્ટના બીજા જજોના કેસમાં આપવામાં આવેલા ચુકાદા બાદ પહેલીવાર MoP તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં કોલેજિયમ વ્યવસ્થા હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજોની નિમણૂકની પ્રક્રિયા નક્કી કરવામાં આવી હતી.

વર્ષ 2015માં સંસદે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) કાયદો પસાર કર્યો હતો. આ કાયદા દ્વારા કોલેજિયમ વ્યવસ્થાને દૂર કરીને ન્યાયતંત્ર અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓને સામેલ કરતી નવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

NJAC કાયદાને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો હતો

નોંધનીય છે કે 16 ઓક્ટોબર 2015ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે NJAC કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. ત્યારબાદ કોર્ટે કોલેજિયમ વ્યવસ્થામાં સુધારા કરવા અને જજોની નિમણૂક પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા માટે સૂચનો મંગાવ્યાં હતાં.

16 ડિસેમ્બર 2015ના રોજ કોર્ટે કેન્દ્ર સરકારને મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કરીને MoPમાં જરૂરી ફેરફાર કરવા અને તેને આખરી સ્વરૂપ આપવાની જવાબદારી સોંપી હતી. જોકે, કોલેજિયમ અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ પર અસહમતિ હોવાને કારણે આ પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી.

અરજીમાં જજોની પસંદગી માટે કઈ 4 બાબતોને જરૂરી ગણાવી?

આ મુદ્દાઓમાં રાષ્ટ્રીય સુરક્ષાના આધારે નિમણૂક માટે સૂચવવામાં આવેલા નામોને નકારી કાઢવાની કેન્દ્ર સરકારની માંગ અને જજોની નિમણૂક માટે કાયમી સચિવાલય બનાવવાનો પ્રસ્તાવ પણ સામેલ હતો.

લોક પ્રહરીની અરજીમાં જણાવાયું છે કે હાલના MoPમાં પારદર્શિતા અને નિષ્પક્ષતાનો અભાવ છે. તેની અસર બંધારણીય અદાલતોમાં જજોની નિમણૂકની ગુણવત્તા અને ન્યાય મેળવવાના અરજદારોના અધિકાર પર પડે છે.

અરજીમાં દલીલ કરવામાં આવી છે કે બંધારણીય અદાલતોના જજોની પસંદગીમાં ચાર પાયાના ગુણો સુનિશ્ચિત કરવા જરૂરી છે. તેમાં નિષ્પક્ષતા, નીડરતા, પારદર્શિતા અને પ્રામાણિકતાનો સમાવેશ થાય છે.

ખાસ કરીને સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂકમાં આ ગુણો વધુ મહત્ત્વના છે, કારણ કે તેમના દ્વારા આપવામાં આવતા ચુકાદા અંતિમ હોય છે.