ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) દ્વારા 19 એપ્રિલ 2025ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષામાં કથિત ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પરીક્ષામાં મોટાપાયે અનિયમિતતાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલાની CBI તપાસની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી છે.

કોણે દાખલ કરી અરજી?

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ મામલે સંજ્ઞાન લેતા CBI, ઝારખંડ સરકાર અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક સહિત અન્ય પક્ષકારો પાસેથી જવાબ માગ્યો છે. સામાજિક કાર્યકર હરિશરણ દેવગને આ અરજી દાખલ કરી છે. અરજીમાં 19 એપ્રિલે યોજાયેલી JPSC પ્રિલિમ્સની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજદાર દ્વારા પરીક્ષા સંપૂર્ણપણે રદ કરીને નવેસરથી પરીક્ષા યોજવાની માગ કરવામાં આવી છે.

આ ઉપરાંત કથિત ગેરરીતિની તપાસ રાજ્યની કોઈ એજન્સીને બદલે CBI જેવી સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી પાસેથી કરાવવાની માગ છે. તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અથવા ઝારખંડ બહારની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર તપાસ સમિતિ રચવાની પણ માગણી કરવામાં આવી છે.

ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રાખવાની માગ

અરજીમાં ઉમેદવારોની OMR શીટની સ્કેનિંગ, કોડિંગ, ચકાસણી અને પરિણામ તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાનું સ્વતંત્ર એજન્સી મારફતે ઓડિટ કરાવવા તેમજ પરીક્ષા અને પરિણામ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો તથા ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રાખવાની માગ પણ કરવામાં આવી છે. પરીક્ષા બાદથી જ ઉમેદવારો દ્વારા ગેરરીતિના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા અને પરીક્ષા રદ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન પણ થયા હતા. હવે સુપ્રીમ કોર્ટની નોટિસ બાદ આગામી સુનાવણી અને પક્ષકારોના જવાબ પર ઉમેદવારોની નજર છે.

આ પણ વાંચો : Delhiથી પટના આવી રહેલી ફ્લાઇટમાં મોટો અકસ્માત ટળ્યો, તાળવે ચોટ્યા હતા 164 યાત્રીઓના જીવ !