દિવાળીના તહેવારો પહેલા ભારતીય રેલવેના સામાન્ય મુસાફરો માટે એક ખુબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશો બાદ હવે રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારનો સૌથી વધુ ફાયદો એવા લાખો મુસાફરોને થશે જેઓ ઓનલાઈન મોડને બદલે રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી ટ્રેન ટિકિટ ખરીદે છે. હવેથી કાઉન્ટર ટિકિટ પર પણ ઓનલાઈન ટિકિટની જેમ જ વીમા કવરેજ (Insurance Cover) આપવામાં આવશે. આ અંગે આગામી 27 ઓક્ટોબર સુધીમાં જરૂરી સૂચનાઓ અને નવી વ્યવસ્થા લાગુ કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ 

'લાઈવ લો' ના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેને આદેશ આપ્યો છે કે રિઝર્વેશન કાઉન્ટર પરથી ખરીદેલી ઓફલાઈન ટિકિટો પર પણ ઓનલાઈન ટિકિટ જેટલું જ વીમા કવચ મળવું જોઈએ. જસ્ટિસ એહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ટ્રેનોમાં સામાન્ય નાગરિકોની સુવિધા, અકસ્માત સુરક્ષા અને સલામતી સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે આ ચુકાદો આપ્યો છે.

ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ વચ્ચેનો ભેદભાવ થશે દૂર

હાલની વ્યવસ્થા મુજબ, ટિકિટ ઇન્સ્યોરન્સનો લાભ માત્ર એવા જ મુસાફરોને મળતો હતો જેઓ IRCTC ની વેબસાઈટ કે એપ પરથી ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે મામૂલી વધારાનો ચાર્જ ચૂકવતા હતા. બીજી તરફ, સ્ટેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદતા સામાન્ય અને ગરીબ વર્ગના મુસાફરો આ વીમા સુરક્ષાથી વંચિત રહી જતા હતા.

સુપ્રીમ કોર્ટમાં એમિકસ ક્યુરી વરિષ્ઠ વકીલ શિખિલ સૂરીએ આ ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનર્જીને આડે હાથ લેતા પૂછ્યું હતું કે ઓનલાઈન અને ઓફલાઈન મુસાફરો વચ્ચે આ પ્રકારની અસમાનતા કેમ રાખવામાં આવી રહી છે?

અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટની ભારે નારાજગી અને ચેતવણી

6 ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રેલવે મંત્રાલય અને અધિકારીઓના વલણ પ્રત્યે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે રેલવે અધિકારીઓ તરફથી માત્ર કાગળ પર ખાતરીઓ આપવામાં આવી રહી છે, જ્યારે વાસ્તવિકતામાં સુરક્ષા બજેટનો પણ પૂરો ઉપયોગ થઈ રહ્યો નથી. કોર્ટે રેલવે બોર્ડના ચેરમેન અને સભ્યોને 16 નવેમ્બરે બપોરે 3.00 વાગ્યે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો છે. જો 27 ઓક્ટોબર સુધીમાં આ ઇન્સ્યોરન્સ સુવિધા સ્ટેશન કાઉન્ટર્સ પર કાર્યરત નહીં થાય, તો રેલવે બોર્ડના ચેરમેન અને સભ્યો સામે સીધી કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો : Uttarakhand: નવરાત્રિ વચ્ચે બાગેશ્વરમાં મા ભગવતી મંદિરમાં લાગી ભીષણ આગ, મુખ્ય મંદિરમાં મોટા પ્રમાણમાં થયું નુકસાન