આ પ્રકારના ગંભીર ગુનાઓની સુનાવણી કરતી વખતે SCએ આકરી ટિપ્પણી કરતા ડિજિટલ એરેસ્ટને 'ડિજિટલ ડકેતી' ગણાવી હતી.
જામીન અરજીઓ અને રાહત અંગે કડક વલણ
સુનાવણી દરમિયાન CJIએ ગુનેગારોની જામીન અરજીઓ અને રાહત અંગે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, જો તક મળશે તો કોર્ટ આરોપીઓની જામીન પણ રદ કરવામાં પાછી પાની નહીં કરે. આ સાથે જ કોર્ટે આવા ગુનાઓની ગંભીરતા અને ભયાનકતાને ધ્યાનમાં રાખીને કેસનો મુકદ્દમો પૂર્ણ થાય તે પહેલાં પણ ગુનેગારોને સજા આપવાની કાનૂની શક્યતાઓ પર વિચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટે માંગણીને સ્પષ્ટપણે ફગાવી
આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વિનંતી કરવામાં આવી હતી કે દેશભરના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના કેસોને એક જ જગ્યાએ ટ્રાન્સફર કરીને એકસાથે સુનાવણી હાથ ધરવામાં આવે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ માંગણીને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. કોર્ટે સખત શબ્દોમાં કહ્યું કે, આરોપીઓની સુવિધા માટે અમે વિવિધ રાજ્યોમાં પીડિત થયેલા લોકોને વધુ કષ્ટ આપી શકીએ નહીં. આરોપીઓની અનુકૂળતા માટે ચાલી રહેલી તપાસ અને મુકદ્દમાઓને પ્રભાવિત કરવાની મંજૂરી આપી શકાય નહીં.
અરજદારે અરજી પરત ખેંચી
સુપ્રીમ કોર્ટના આ આકરા વલણ અને કડક ટિપ્પણીઓ બાદ અરજદારે પોતાની અરજી પરત ખેંચી લીધી હતી. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે હવે દેશભરના અલગ-અલગ રાજ્યોમાં ઠગાઈ કરનારા આ સાયબર ગુનેગારો સામે જે-તે રાજ્યોની પોલીસ અને અદાલતોમાં અલગ-અલગ જ કેસ ચાલશે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશથી સાયબર ઠગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિત નાગરિકોને ન્યાય મળવાની આશા વધુ બળવત્તર બની છે.
આ પણ વાંચોઃ 19 બેઠક સાથે આરબ પક્ષો કિંગમેકરની ભૂમિકામાં, નેતન્યાહૂ અને વિપક્ષ બહુમતીથી દૂર!
