CBIએ પશ્ચિમ બંગાળમાં થયેલા ચંદ્રનાથ રથ હત્યાકાંડની તપાસ પોતાના હાથમાં લીધી છે. ચંદ્રનાથ રથ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજકીય કાર્યાલય સાથે સંકળાયેલા હતા અને વિધાનસભા ચૂંટણી બાદ તેમની હત્યા થતાં રાજ્યની રાજનીતિમાં ભારે હલચલ મચી હતી. હવે CBIએ આ મામલે FIR નોંધાવી ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે, જેમાં સાત વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચંદ્રનાથ રથ આરોપીઓના નિશાને હતા

તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા ચંદ્રનાથ રથ આરોપીઓના નિશાને હતા. ભારે ભીડ અને સુરક્ષા વ્યવસ્થાને કારણે પહેલા હુમલાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. છેલ્લા એક મહિનાથી મધ્યમગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાનની આસપાસથી તેમની લોકેશન અને તસવીરો શેર કરવામાં આવતી હતી.

કેવી રીતે હત્યાના આદેશ મળ્યા?

CBI તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓને સિગ્નલ એપ મારફતે ચંદ્રનાથ રથની તસવીરો અને હત્યાના આદેશ મોકલવામાં આવ્યા હતા. બક્સરથી ઝડપાયેલા મયંક મિશ્રા અને વિક્કી મૌર્યએ પૂછપરછ દરમિયાન મધ્યમગ્રામના એક વ્યક્તિનું નામ જણાવ્યું છે, જેણે શૂટર્સને લાઈવ લોકેશન અને હત્યાના નિર્દેશ આપ્યા હતા.

CBI હાલ આ શખ્સની શોધમાં લાગી છે. તપાસમાં હત્યા માટે 70 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે. આ હત્યા રાજકીય દુશ્મનાવટના કારણે થઈ કે પછી કોઈ જૂની અદાવત કારણભૂત હતી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. હાલ ત્રણેય આરોપીઓને 23 મે સુધી CBI કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : BRICS Summit 2026: આતંકવાદ, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સહિત વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે બેઠકમાં આ 5 મુદ્દા ઉઠાવ્યા, જાણો શું કહ્યું