તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માટે રાજકીય પારો અત્યારથી જ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વખતે મુકાબલો માત્ર પરંપરાગત હરીફો ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) વચ્ચે જ નથી, પરંતુ સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) ના વિસ્ફોટક પ્રવેશને કારણે લડાઈ ત્રિપાંખિયા જંગમાં ફેરવાઈ ગઈ છે. રાજકીય વિશ્લેષકો માને છે કે વિજયની લોકપ્રિયતા મોટા અપસેટ સર્જી શકે છે. આ મહાયુદ્ધમાં 10 એવી બેઠકો છે જે રાજ્યની સત્તાનો માર્ગ નક્કી કરશે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ગઢમાં પડકાર

સીએમ એમ.કે. સ્ટાલિનની કોલાથુર બેઠક ડીએમકેનો મજબૂત ગઢ ગણાય છે, પરંતુ આ વખતે એઆઈએડીએમકે અને ટીવીકેએ મજબૂત ઉમેદવારો ઉતારી સ્ટાલિનની મુશ્કેલી વધારી છે. તેવી જ રીતે, ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિન પોતાની પરંપરાગત બેઠક ચેપૌક-તિરુવલ્લીકેની પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમના દાદા કરુણાનિધિનો વારસો જાળવવો તેમના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.

વિજયની એન્ટ્રી અને અન્ય હોટ સીટ્સ

સુપરસ્ટાર વિજયે તિરુચિરાપલ્લી પૂર્વ બેઠક પર ઝંપલાવતા આ વિસ્તાર આખા રાજ્યનું ધ્યાન ખેંચી રહ્યો છે. વિજયની લોકપ્રિયતા સામે ડીએમકેએ પોતાના અનુભવી નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી એડપ્પડી પલાનીસ્વામી પોતાના ગઢ એડપ્પડીમાં ડીએમકે અને એનટીકેના ત્રિકોણીય પડકારનો સામનો કરી રહ્યા છે.

બહુકોણીય જંગ અને દિગ્ગજોની શાખ

કોઈમ્બતુર દક્ષિણ: અહીં સેન્થિલ બાલાજી અને ટીવીકેના નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર છે. ૨૦૨૧માં ભાજપે આ બેઠક જીતી હતી, તેથી અહીં રસાકસી વધુ રહેશે.

બોદિનાયકનુર: પૂર્વ ડેપ્યુટી સીએમ ઓ. પન્નીરસેલ્વમ માટે આ અસ્તિત્વની લડાઈ છે, જ્યાં તેમને પોતાની જ જૂની પાર્ટી એઆઈએડીએમકે સામે લડવું પડી રહ્યું છે.

મદુરાઈ સેન્ટ્રલ: મંત્રી પી. થિયાગરાજન (PTR) સામે ભાજપ પ્રેરિત એનડીએના ઉમેદવાર અને પ્રખ્યાત દિગ્દર્શક સી. સુંદર મેદાનમાં છે, જેણે આ મુકાબલાને ગ્લેમરસ અને ગંભીર બનાવ્યો છે.

કન્યાકુમારી અને ધર્મપુરી: આ બેઠકો પર સ્થાનિક જ્ઞાતિ સમીકરણો અને ટીવીકેના નવા મતો કોની રમત બગાડશે તેના પર સૌની નજર છે.

વિજયની એન્ટ્રીથી ડીએમકે માટે ચિંતાનો વિષય

નિષ્ણાતો મુજબ, વિજયની એન્ટ્રીથી યુવા મતોનું વિભાજન થશે જે સત્તાધારી ડીએમકે માટે ચિંતાનો વિષય બની શકે છે. આ ૧૦ બેઠકોના પરિણામો નક્કી કરશે કે તમિલનાડુમાં દ્રવિડિયન રાજનીતિનું આગામી પ્રકરણ કોણ લખશે.

આ પણ વાંચોઃ West Bengal : VVPAT સ્લિપ પર વિવાદ, મતગણતરી પહેલા બંગાળમાં રાજકીય ઘમાસાણ