તમિલનાડુમાં મુખ્યમંત્રી જોસેફ વિજયની સરકારે રાજકીય વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતા વિદ્યાર્થીઓ અંગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે ડાબેરી પક્ષો અને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનોથી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને દૂર રાખવાના નિર્દેશો જાહેર કર્યા છે.
વિરોધ પ્રદર્શનોથી વિદ્યાર્થીઓને દૂર રાખવા નિર્દેશ
સરકારના નિર્દેશ મુજબ શાળા શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ વિભાગને કાર્યવાહી કરવાની રહેશે. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ ન લે તે સુનિશ્ચિત કરવા માટે તમામ વિભાગોને સાથે મળીને કામ કરવાની સૂચના આપવામાં આવી છે.
લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર- સૌરવ દાસ
CJP એ 14 ઓગસ્ટના રોજ તમામ યુનિવર્સિટીઓના રજિસ્ટ્રારોને જાહેર કરાયેલા આ આદેશની કડક ટીકા કરી છે . તેઓએ આ આદેશને "ગેરબંધારણીય" ગણાવ્યો છે. તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. CJP પ્રવક્તા સૌરવ દાસે સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે "કોઈ પણ સરકાર વ્યક્તિના વિરોધ પ્રદર્શનના અધિકાર પર રોક લગાવી શકે નહી." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ એ લોકોનો અધિકાર છે.
તમિલનાડુમાં થઇ રહ્યા છે વિરોધ પ્રદર્શન
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તમિલનાડુમાં NEET અંગે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ડાબેરી પક્ષો સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે, અને CJP NEET ને સંપૂર્ણપણે નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. પરિણામે, સરકારના નિર્દેશની આ વિરોધ પ્રદર્શનો પર સીધી અસર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે વિજય સરકારે અગાઉ NEET વિરોધી વિરોધ પ્રદર્શનો સંબંધિત જૂના કેસ પાછા ખેંચવા સૂચનાઓ આપી હતી. જે કેસ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે નોંધાયા હતા. હવે, વિદ્યાર્થીઓને રાજકીય વિરોધ પ્રદર્શનોથી દૂર રાખવાના નિર્દેશથી સરકારની નીતિ પર પ્રશ્નો ઉભા થયા છે.