અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ ભારત અને રશિયા વચ્ચે સંબંધો ઘણા નજીક આવતા દેખાઇ રહ્યા છે. હાલમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલએ રશિયાનો પ્રવાસ કર્યો હતો. મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિસ સહિત મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
વિદેશ મંત્રાલયે શેર કરી પોસ્ટ
ત્યારે હવે સમાચાર એ મળ્યા છે કે વિદેશમંત્રી એસ જયશંકર બહુ જલ્દી રશિયા જશે અને રશિયાના વિદેશમંત્રીની મુલાકાત કરશે. રશિયાના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જાણકારી આપી છે. ભારતીય વિદેશ મંત્રી જયશંકર અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇલાવારોવ સાથે 21 ઓગષ્ટે મોસ્કોમાં મુલાકાત થશે. આ બેઠકમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા શશે. આ વર્ષના અંતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પ્રવાસે આવી શકે છે. એવામાં બંને નેતાઓની મુલાકાતમાં પુતિનના પ્રવાસની તૈયારીઓ પર પણ વાત થઇ શકે છે.
50 ટકા ટેરિફ અંગે શું ?
અમેરિકા અને ભારતના સંબંધમાં થોડી ખટાશ જોવા મળી રહી છે અને આ સમયે જ વિદેશ મંત્રી રશિયાની મુલાકાતે જવાના છે. અમેરિકાએ 50 ટકા ટેરિફ લાગુ કર્યા બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં ખટાશ આવી છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા અને યુક્રેન યુદ્ધને કથિત રીતે પ્રોત્સાહન આપવાને લઇને ભારત પર ટેરિફ વધાર્યો છે. સાથે જ અમેરિકી સરકાર આ દિવસોમાં પાકિસ્તાનની સાથે પોતાની સંબંધો વધારી રહ્યુ છે. એવામાં ભારત પણ પોતાના પાસેના તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.
શું થઇ ચર્ચા ?
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની રશિયા મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે લશ્કરી ટેકનિકલ સહયોગ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. ભારતમાં રશિયન દૂતાવાસે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી. આ સાથે, નાગરિક વિમાન ઉત્પાદન, ધાતુશાસ્ત્ર ઉદ્યોગ અને રાસાયણિક ઉદ્યોગ જેવા અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ લાગુ કરવા પર પણ ચર્ચા થઈ હતી.