વૈશ્વિક સ્તરે લોકપ્રિય થઈ રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ માનવ જીવન અને કાર્યશૈલીમાં ક્રાંતિ લાવી છે. એક તરફ જ્યાં AI એ કામકાજને અત્યંત સરળ બનાવ્યું છે, તો બીજી તરફ તે રોજગારી સામે મોટું જોખમ પણ બનીને ઉભર્યું છે. ગોલ્ડમેન સૅક્સના તાજેતરના અહેવાલ મુજબ, જનરેટિવ AI ભારતમાં મિશ્ર પ્રભાવ પાડશે. આ નવી ટેકનોલોજીથી દેશની આશરે 42 થી 48% નોકરીઓને ફાયદો થશે, જ્યારે બીજી બાજુ લગભગ 8 થી 12% નોકરીઓ પર જોખમના વાદળો ઘેરાયેલા છે.

AI ની મર્યાદિત અસર 

AI વિચારણા, લેખન, જટિલ પ્રશ્નોના ઉત્તરો આપવા અને અહેવાલો તૈયાર કરવા જેવા કાર્યો ખૂબ જ ઝડપથી કરી શકે છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 9 થી 17% બિન-કૃષિ કાર્યો ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે, જેમાં સરેરાશ આંકડો 13 થી 15% આસપાસ છે. જોકે, મેન્યુઅલ મજૂરી અથવા શારીરિક શ્રમ માંગતા ક્ષેત્રો પર AI ની નહિવત્ અસર પડશે. જ્યાં AI ની મર્યાદિત અસર છે, ત્યાં તે કર્મચારીઓનો સમય બચાવીને નવી કુશળતા કેળવવામાં મદદરૂપ સાબિત થશે.

ભારતીય અર્થતંત્ર અને રોજગાર ક્ષેત્ર પર AI ની અસરો 

1. અર્થતંત્ર અને ઉત્પાદકતા: નિષ્ણાતોના મતે AI વાર્ષિક ધોરણે ઉત્પાદનમાં આશરે 0.8% સુધીનો વધારો કરી શકે છે, જેનાથી આગામી દશકામાં આર્થિક વૃદ્ધિ દર વધુ વેગ પકડી શકે છે.

2. ટેક ક્ષેત્રમાં બદલાવ: એક તરફ AI ટેક ક્ષેત્રમાં આશરે 10 લાખ નવી નોકરીઓનું સર્જન કરી શકે છે, તો બીજી તરફ ગત સમયમાં ભારતની અગ્રણી IT કંપનીઓમાં હજારો કર્મચારીઓની છટણી પણ જોવા મળી છે.

3. જીસીસી (GCC) ક્ષેત્રની પ્રગતિ: છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સની સંખ્યા, કર્મચારીઓની સંખ્યા અને તેની આવકમાં જંગી વધારો થયો છે, જે હાલમાં અંદાજે ₹9.3 લાખ કરોડ સુધી પહોંચી છે.

4. સેવા નિકાસમાં વધારો: દેશના જીડીપીમાં સેવા નિકાસનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેમાં સોફ્ટવેર અને વ્યવસાયિક સેવાઓનો હિસ્સો ૭૫% કરતાં વધુ છે.

વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતામાં ભારતનો હિસ્સો માત્ર 1% 

બીજી તરફ, ભારત સમક્ષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ગંભીર પડકારો પણ છે. વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતામાં ભારતનો હિસ્સો માત્ર 1% જ છે, જ્યારે યુએસ અને ચીન અનુક્રમે ૪૭% અને ૨૫% હિસ્સો ધરાવે છે. વર્તમાન 1 ગીગાવોટની ક્ષમતા સાથે ભારત પાસે ભવિષ્યના ઊંચા વીજ અને ડેટા વપરાશને પહોંચી વળવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જેના પર દેશે આગામી સમયમાં વિશેષ ધ્યાન આપવું પડશે.

આ પણ વાંચોઃ ભારતમાં પ્લાસ્ટિક નોટોનું ફિલ્ડ ટ્રાયલ, આ રીતે શહેરોની કરાશે પસંદગી!