ઘણીવાર એવું બને છે કે એરપોર્ટ પહોંચ્યા પછી યાદ આવે કે મોબાઈલનું ચાર્જર ઘરે રહી ગયું છે અથવા લાંબી ફ્લાઈટ માટે કોઈ પુસ્તક લેવાનું ભૂલાઈ ગયું છે. અત્યાર સુધી આ ભૂલનો પસ્તાવો કરવો પડતો હતો, પરંતુ હવે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર મુસાફરોને આવી ચિંતાઓમાંથી મુક્તિ મળી છે. ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટે ટર્મિનલ-2 (ડોમેસ્ટિક ડિપાર્ચર્સ) પર પોતાની વિશેષ ઇન-ટર્મિનલ ડિલિવરી સેવા શરૂ કરી છે.

દુનિયામાં પ્રથમવાર આવી સુવિધા

બ્લિંકિટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે , મુંબઈ એરપોર્ટ વિશ્વનું પ્રથમ એરપોર્ટ બન્યું છે જ્યાં આવી 'ઝડપી ઇન-ટર્મિનલ ડિલિવરી' સુવિધા ઉપલબ્ધ છે. અદાણી એરપોર્ટ્સ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ શરૂ કરાયેલી આ સેવામાં એરપોર્ટની અંદર જ એક સમર્પિત 'વોકર ટીમ' તૈનાત કરવામાં આવી છે, જે ઓર્ડર મળતાની સાથે જ મુસાફર જે-તે ગેટ પર હોય ત્યાં સુધી સામાન પહોંચાડે છે.

શું શું મંગાવી શકાશે?

મુસાફરો બ્લિંકિટ એપ દ્વારા 2500 થી વધુ પ્રોડક્ટ્સનો ઓર્ડર આપી શકશે. જેમાં ઇલેક્ટ્રોનિક્સ (ચાર્જર, પાવર બેંક, ઈયરફોન), પુસ્તકો, ગિફ્ટ આઈટમ્સ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને મુસાફરી દરમિયાન જરૂરી નાની-મોટી ચીજોનો સમાવેશ થાય છે. આ સુવિધાને કારણે હવે મુસાફરોએ પેકિંગ કરતી વખતે "કંઈક ભૂલી જઈશું તો?" એવા ડર રાખવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર લોકો આ સુવિધાને વધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે એરપોર્ટ પર ચેકલિસ્ટ કરતા બ્લિંકિટ એપ વધુ ઉપયોગી સાબિત થશે.

રિટેલર્સ માટે પડકાર અને ભવિષ્યની આશા

જોકે, આ નવી સેવાથી એરપોર્ટની અંદર આવેલા મોંઘા રિટેલ સ્ટોર્સના બિઝનેસ મોડલ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. સામાન્ય રીતે એરપોર્ટ પર વસ્તુઓ ઊંચા ભાવે વેચાતી હોય છે, પરંતુ બ્લિંકિટ પર વ્યાજબી ભાવે પ્રોડક્ટ્સ મળતી હોવાથી સ્થાનિક દુકાનદારોમાં ચિંતા જોવા મળી રહી છે.

ટર્મિનલ-2 પર ઉપલબ્ધ હશે અનેક વસ્તુઓ

હાલમાં આ સેવા માત્ર મુંબઈના ટર્મિનલ-2 પર જ ઉપલબ્ધ છે, પરંતુ જો આ પ્રયોગ સફળ રહેશે તો આગામી સમયમાં દિલ્હી, બેંગલુરુ અને અમદાવાદ જેવા અન્ય મોટા એરપોર્ટ્સ પર પણ આ સુવિધા વિસ્તરવામાં આવશે તેવી શક્યતા છે. ટૂંકમાં, બ્લિંકિટે સાબિત કરી દીધું છે કે 'ઝડપી ડિલિવરી' હવે માત્ર રસ્તાઓ પર જ નહીં, પણ રન-વે સુધી પહોંચી ગઈ છે.

આ પણ વાંચોઃ  શું Iran ના સર્વોચ્ય નેતા મોજતબા ખામેનેઇ સુરક્ષિત છે કે નથી? રશિયાએ કર્યો મોટો ખુલાસો