તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં રવિવારે સવારે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હૈદરાબાદ-વિજયવાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચિત્યલ નજીક એક ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનામાં માત્ર કારના ચાલક જ બચી શક્યા છે, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ખાનગી બસે કારને પાછળથી મારી જોરદાર ટક્કર
પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત પરિવાર ચેન્નાઈથી હૈદરાબાદ તરફ પોતાની કારમાં જઈ રહ્યો હતો. રવિવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યાના સુમારે જ્યારે તેમની કાર નાલગોંડાના ચિત્યલ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ જઈ રહેલી એક ખાનગી બસે કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારના કુરચા ઉડી ગયા હતા.
અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત
આ કરૂણ અકસ્માતમાં કારમાં સવાર ડ્રાઇવરની પત્ની, તેમના બે માસૂમ બાળકો અને એક મિત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સદનસીબે, કારના ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો, જેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, હાલ તેમની સ્થિતિ ખતરાથી બહાર છે. બીજી તરફ, અકસ્માત સર્જનાર બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લાં અઠવાડિયામાં અનેક અકસ્માત થયા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દેશના વિવિધ ભાગોમાં ગંભીર માર્ગ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. હજુ થોડા દિવસો પહેલા જ, 1 જુલાઈના રોજ રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો હતો. હરિદ્વારથી ઇન્દોર જઈ રહેલી એક પેસેન્જર બસ ટ્રક સાથે અથડાતા તેમાં આગ લાગી ગઈ હતી, જેમાં 8 લોકોના મોત નિપજ્યા હતા અને 24થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ ચોમાસામાં ભીના કપડાંથી પરેશાન છો? તડકાં વગર આ ટિપ્સથી ઝડપથી સૂકાઇ જશે...