રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે પાકિસ્તાન દ્વારા આતંકવાદને મળતા સમર્થનની નિંદા કરતાં કહ્યું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સુધી સિંધુ નદીનું પાણી પહોંચવા દેશે નહીં.
તેલંગાણામાં BJP દ્વારા આયોજિત 'ઇન્ટેલેક્ચ્યુઅલ મીટ'ને સંબોધતા તેમણે જણાવ્યું કે, “ઓપરેશન સિંદૂર દ્વારા સરકારે સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે જે લોકો શાંતિ અને સૌહાર્દની ભાષા સમજતા નથી, તેમને તેમની જ ભાષામાં કેવી રીતે જવાબ આપવો.”
દેશની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં
રાજનાથ સિંહે વધુમાં ભારપૂર્વક કહ્યું કે ભારત આતંકવાદ સામે કડક વલણ અપનાવી રહ્યું છે અને દેશની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
રાજનાથ સિંહે વિપક્ષ પર સાધ્યું નિશાન
રક્ષામંત્રી રાજનાથ સિંહે 'ઓપરેશન સિંદૂર' અને ભારતીય સૈનિકોની બહાદુરી પર પ્રશ્ન ઉઠાવવા બદલ કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી નેતાઓની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જો ભારત સામે આતંકી હુમલા થશે, તો પાકિસ્તાનને અનાજ અને પાણીની સપ્લાય રોકી દેવામાં આવશે.
આતંકવાદના આકાઓ સુધી સિંધુનું પાણી નહીં પહોંચે
રાજનાથ સિંહે કહ્યું, “પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ અમે સિંધુ જળ સંધિને સ્થગિત કરતાં જણાવ્યું હતું કે જેમની આંખોના આંસુ સૂકાઈ ગયા છે, તેઓએ અમારી પાસેથી પાણીની આશા રાખવી જોઈએ નહીં. અમે સિંધુ નદીનું પાણી આતંકવાદના સંરક્ષકો અને માનવતાના દુશ્મનો સુધી પહોંચવા નહીં દઈએ.”
ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવનારાઓ ચેતી જજો
તેમણે વધુમાં કહ્યું કે ભારત આજે વિશ્વમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે અને મુશ્કેલીના સમયમાં અન્ય દેશોની મદદ કરવા માટે હંમેશા આગળ રહ્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે અનેક દેશોને આપેલી સહાયતાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વ ભારતને “વિશ્વ બંધુ” તરીકે જુએ છે.
રાજનાથ સિંહે ઉમેર્યું કે ભારતના દુશ્મનોએ એ વાત ભૂલવી ન જોઈએ કે દેશ પાસે માત્ર રસી (વૅક્સિન) જ નથી, પરંતુ શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલ પણ છે.