તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યના વર્ષો જૂના રાજકીય માળખાને હચમચાવી દીધું છે. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી 'તમિલગા વેટ્ટ્રી કઝગમ' (TVK) એ પ્રથમ પ્રયાસે જ શાનદાર પ્રદર્શન કરી 108 બેઠકો મેળવી છે. વિજયે પોતે 49,000 થી વધુ મતોથી જીત મેળવી છે અને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે,234 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે, જેનાથી વિજયની પાર્ટી માત્ર 10 બેઠકો છેટી રહી ગઈ છે.

રાહુલ ગાંધીની એન્ટ્રી અને રાજકીય અટકળો

પરિણામો બાદ તુરંત જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિજયને ફોન કરી અભિનંદન આપ્યા હતા, જેણે નવા ગઠબંધનની અટકળો તેજ કરી છે. જોકે, માત્ર કોંગ્રેસના ૫ ધારાસભ્યોના ટેકાથી પણ TVK 113 સુધી જ પહોંચી શકે છે, જે હજુ પણ બહુમતીથી ૫ બેઠકો ઓછી છે. આથી, વિજયે હવે અન્ય નાના પક્ષો તરફ નજર દોડાવવી પડશે.

સરકાર રચનાના ત્રણ મુખ્ય સમીકરણો

૧. નાના પક્ષોનું 'મહા ગઠબંધન':

વિજય કોંગ્રેસ (5), ડાબેરી પક્ષો (4), VCK (2) અને IUML (2) જેવા પક્ષોને સાથે લઈને સરકાર બનાવી શકે છે. આ સમીકરણ મુજબ કુલ આંકડો 121 સુધી પહોંચી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થિર સરકાર માટે વિજય આ પક્ષોને કેબિનેટમાં સ્થાન આપવાની ઓફર પણ કરી શકે છે.

૨. વિવિધ ગઠબંધનમાંથી તોડજોડ:

બીજા દૃશ્યમાં, વિજય DMK અને AIADMK બંને જૂથના નાના પક્ષો (જેમ કે PMK અને VCK) ને પોતાની તરફ ખેંચીને ૧૨૧ બેઠકોનું સંખ્યાબળ ઊભું કરી શકે છે. આ રસ્તો થોડો પડકારજનક હોઈ શકે છે પરંતુ સત્તા મેળવવા માટે તે મહત્વનો છે.

૩. AIADMK સાથે મોટું જોડાણ:

જો વિજય કોઈ નાના પક્ષોની માથાકૂટમાં પડવા ન માંગતા હોય, તો તેઓ ૪૭ બેઠકો ધરાવતી AIADMK સાથે સીધું જોડાણ કરી શકે છે. આ ગઠબંધન પાસે ૧૫૫ બેઠકોનું વિશાળ સંખ્યાબળ હશે, જે અત્યંત મજબૂત અને સ્થિર સરકાર આપી શકે છે.

તમિલનાડુમાં અત્યારે 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિ છે. વિજયના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આગામી 24 થી 48 કલાકમાં સ્પષ્ટ થઈ જશે કે રાજ્યની કમાન કોણ સંભાળશે. એક વાત નક્કી છે કે, તમિલનાડુમાં હવે દ્રવિડિયન રાજકારણના જૂના પક્ષોનો એકાધિકાર ખતમ થઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ New Bengal Government Oath Ceremony: બંગાળમાં નવી સરકારનો શપથગ્રહણ સમારોહ ક્યારે? સામે આવી તારીખ