આજના સમયમાં જો જમવાનું બનાવવાની ઇચ્છા ન થતી હોય, તો લોકો તરત જ ફોન દ્વારા ઓનલાઇન ઓર્ડર કરી દે છે. જેથી ડોરસ્ટેપ ડિલિવરી સેવા ઘણા લોકો માટે રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. ખોરાક, દવાઓ કે અન્ય સામાન આ તમામ થોડી મિનિટોમાં ઘર સુધી પહોંચે છે. પરંતુ આ ઝડપી સેવાઓ પાછળ કામ કરતા ગિગ વર્કર્સ માટે આ ઝડપ ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. હૈદરાબાદમાં બનેલી તાજેતરની ઘટના એનું દુઃખદ ઉદાહરણ છે.
25 વર્ષીય ડિલિવરી બોય
હૈદરાબાદના મેધીપટ્ટનમ વિસ્તારમાં 5 જાન્યુઆરી, 2026ની રાત્રે ૨૫ વર્ષીય ડિલિવરી બોય અભિષેક ઓર્ડર પહોંચાડવા માટે ઉતાવળમાં હતો. ઝડપી ડિલિવરીના દબાણ વચ્ચે તેની બાઇક લપસી ગઈ અને સામેથી આવતી ખાનગી બસ સાથે ટક્કર થઈ. આ ગંભીર અકસ્માતમાં અભિષેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
BBAના છેલ્લા વર્ષમાં અભ્યાસ
અભિષેક શેખપેટનો રહેવાસી હતો અને બીબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પરિવારની આર્થિક મદદ માટે તે પાર્ટ-ટાઇમ ડિલિવરી વર્કર તરીકે કામ કરતો હતો. તેના અચાનક મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, સાથે જ સમગ્ર તેલંગાણામાં ગિગ વર્કર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મંત્રીને લખ્યો પત્ર
આ ઘટનાને પગલે તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU) સક્રિય બન્યું છે. યુનિયને રાજ્યના શ્રમ મંત્રીને પત્ર લખીને ગિગ વર્કર્સ માટે વીમા સુરક્ષા અને યોગ્ય વળતરની માંગ કરી છે. TGPWUના સ્થાપકનું કહેવું છે કે, “ગિગ વર્કર્સ પણ માણસો છે, કોઈ અલ્ગોરિધમ નથી. જો તેઓ કામ દરમિયાન મૃત્યુ પામે છે તો તેમના પરિવારને વીમો અને વળતર મળવું જ જોઈએ.”
ગિગ વર્કર્સ દ્વારા વિરોધ પ્રદર્શન
આ ઘટના બાદ હૈદરાબાદના વિવિધ વિસ્તારોમાં ગિગ વર્કર્સ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા. તેઓ કંપનીઓ દ્વારા લાદવામાં આવતા અયોગ્ય ટાર્ગેટ્સ, સમયનો દબાણ અને સુરક્ષાની અછત સામે અવાજ ઉઠાવી રહ્યા છે. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સાથે જ તેમણે તમામ ડિલિવરી વર્કર્સને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. જોકે, માત્ર સલાહથી સમસ્યા ઉકેલાશે કે નહીં, તે મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો : Knowledge : એક USSD કોડ અને ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, જાણો કોલ ફોરવર્ડિંગ કૌભાંડ