બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલા વિક્રમશિલા પુલના એક થાંભલાની રિટેનિંગ વોલ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અને તૂટી પડી છે. આ ઘટનાના સમાચાર સામે આવતા વહીવટીતંત્ર સક્રિય થયું. વહિવટી તંત્ર ક્ષતિગ્રસ્ત થયેલ પુલની તપાસ માટે નિષ્ણાતોની એક ટીમ મોકલી છે. આ ઘટનામાં ટિમની તપાસ બાદ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીએ માહિતી આપી.

વિક્રમશિલા પુલની દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના

વિક્રમશિલા પુલના એક થાંભલાની રક્ષણાત્મક દિવાલ ધરાશાયી થવાના સમાચાર સામે આવતા સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું. કારણ કે આ પુલને આ વિસ્તારની જીવનરેખા માનવામાં આવે છે. વિક્રમશિલા પુલ આસપાસના વિસ્તારના લોકો માટે અવર-જવર માટે વધુ ઉપયોગી છે. આ પુલની ક્ષતિના સમાચાર આવતા જ તેની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા થયા છે.

ક્ષતિગ્રસ્ત વિક્રમશિલા પુલની નિષ્ણાત ટીમ કરશે તપાસ

ભાગલપુર જિલ્લા મેજિસ્ટ્રેટ નવીલ કિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે મામલાની ગંભીરતાને કારણે, એક્ઝિક્યુટિવ એન્જિનિયરો, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયરો અને નિષ્ણાતોની એક ટીમ તપાસ માટે મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે ટીમનો રિપોર્ટ આવ્યા પછી જ આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે. વહીવટીતંત્ર હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશને જણાવ્યું છે કે ધરાશાયી થયેલી દિવાલ ખોટી દિવાલ છે, જેનો અર્થ એ થાય કે તે એક કામચલાઉ માળખું છે. 

25 વર્ષ જૂના પુલના સમારકામની અવગણના, ભવિષ્યમાં દુર્ઘટનાનો સંકેત

અહેવાલો અનુસાર ભાગલપુરના વિક્રમશિલા પુલ 25 વર્ષ જૂનો છે. આશરે 4.7 કિલોમીટર લાંબો આ પુલ ભાગલપુરને કોસી અને સીમાચલ પ્રદેશો સાથે જોડે છે. દરરોજ લાખો લોકો આ પુલનો મુસાફરી માટે ઉપયોગ કરે છે. છતાં આ પુલનું 2016થી કોઈ ટેકનિકલ સમારકામ કરવામાં આવ્યું નથી. તાજેતરમાં પુલનો દેખાવ બદલવા ફકત રંગકામ કરવામાં આવ્યું હતું, પરંતુ આંતરિક મજબૂતાઈને અવગણવામાં આવી હતી. આ સમસ્યાનું કારણ આ માનવામાં આવે છે.  વિક્રમશિલા સેતુની દિવાલ ધરાશાયી થવાની ઘટના ભવિષ્યમાં મોટા ભયનો સંકેત આપે છે.


આ પણ વાંચો: Mathuraમાં બાબાની હત્યા બાદ વિરોધ, પ્રદર્શન કારોનો પોલીસ પર પથ્થર મારો